Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જીએસટી નંબરના વેરિફિકેશન માટે હવે ૩ના બદલે ૭ દિવસ મળશે

મુંબઇ,તા. ૨૫: ત્રણ દિવસમાં જીએસટી નંબરની ફાળવણી કરવાના નિયમને કારણે બોગસ બિલિંગ કરનારાઓ જીએસટી નંબર લેવા માટે મોટા ભાગે શનિ-રવિની રજાને ધ્યાને રાખીને જ અરજી કરતા હોય. તેના કારણે જીએસટીના અધિકારીઓ સ્થળ વેરિફિકેશન કરી શકે નહીં. જેથી બોગસ બિલિંગને અટકાવવા તેમજ સ્થળ વેરિફિકેશન પૂરતા સમયમાં થઇ શકે તે માટે હવે સાત દિવસમાં જીએસટી નંબર ફાળવણી કરવાનું નક્કી કરાયું છે.

બોગસ બિલિંગ કરનારાઓ ઓનલાઇન અરજી કરતી વખતે સરનામા બદલી નાખતા હતા. જેથી અધિકારી સ્થળ તપાસમાં જાય તો તે જગ્યા પર બોગસ બિલિંગ કરનાર પેઢી જ મળતી નહોતી. આ માટેનું કારણ એવું છે કે બોગસ બિલિંગ કરવાનો ગેરલાભ ઉઠાવતા હતા. તેઓ શનિ -શવિની રજાને ધ્યાને રાખીને જ અરજી કરતા હતા. જેથી સોમવારે સ્થળ વેરિફિેકશન કરવાને બદલે અરજીનો નિકાલ કરીને  જીએસટી નંબરની ફાળવણી કરી દેવામાં આવતી હતી. જ્યારે હવેથી સાત દિવસનો સમય આપવાનું નક્કી કરાયું છે. કારણ કે સાત દિવસમાં અધિકારીઓ સ્થળ તપાસ કરવાની કામગીરી યોગ્ય રીતે કરી શકે તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. તેમજ આને લીધે બોગસ બિલિંગના કેસમાં પણ ઘટાડો થવાની શકયતા જાણકારોએ વ્યકત કરી છે.

ઓનલાઇન રજુ કરેલા દસ્તાવેજ રજૂ કરવા પડશે

જીએસટી નંબર લેવા માટે અરજદારે ઓનલાઇન અરજી કરતી વખતે જે દસ્તાવેજ રજૂ કર્યા હશે તે દસ્તાવેજ જીએસટીના સેન્ટર પર પણ રજૂ કરવા પડશે. કારણ કે કેટલાક લોકો ઓનલાઇન અરજી કરતી વખતે રજૂ કરેલા દસ્તાવેજમાં છેડછાડ કરતા હોય છે. તેમાં મોટા ભાગે સરનામામાં જ ફેરફાર કરી નાખવામાં આવતો હતો. જેથી અધિકારીઓ દસ્તાવેજનું વેરિફિકેશન કરવાની સાથે અરજદારનું બાયોમેટ્રીક વેરિફિકેશન પણ કરશે.

(10:11 am IST)