Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નવ મુસ્લિમ સંગઠનો દ્વારા ચાઇનીઝ રસીનો બહિષ્કાર

કેટલીક રસીમાં પોર્ક જિલેટીન એટલે કે ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે

નવી દિલ્હી, તા.૨૫: કોરોના રસીમાં પોર્ક જિલેટીન હોવા અંગે વિશ્વમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે દેશના નવ મુસ્લિમ સંગઠનોએ આ બાબતે એક ફતવો બહાર પાડીને જણાવી દીધું છે કે ચીનમાં બનતી રસી અમે નહીં મુકાવીએ. નોંધનીય છે કે કેટલીક રસીમાં પોર્ક જિલેટીન એટલે કે ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

ઇસ્લામમાં પોર્કમાંથી બનાવવામાં આવેલી કોઈપણ વસ્તુને હરામ માનવામાં આવે છે. તેથી દેશના મુસ્લિમોમાં કોરોનાની રસીને લઇને ચિંતા વધી ગઈ છે. મુંબઈમાં નવ મુસ્લિમ સંગઠનોની બેઠક મળી હતી તેના સંદર્ભમાં નવ મુસ્લિમ સંગઠનોના મહાસચિવ અને રજા એકાદમીના મોહમ્મદ સૈયદ નૂરીએ જણાવ્યું હતું કે મુંબઈની બેઠકમાં નવ સંગઠન સામેલ થયા હતાં અને તેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે ચીનમાં બનેલી રસીનો મુસ્લિમો ઉપયોગ નહી કરે.

નૂરી કહે છે કે અમને માહિતી મળી છે કે ચીનમાં બનેલી રસીમાં ભૂંડના વાળ, ચરબી અથવા માંસનો ઉપયોગ થયો છે. ઈસ્લામમાં તેના ઉપર પ્રતિબંધ છે.

નોંધનીય છે કે હજુ ગઈકાલે જ સંયુકત આરબ અમિરાતની સર્વોચ્ચ ઇસ્લામિક પરિષદ ફતવા  કાઉન્સિલે જણાવ્યું છે કે કોરોના વાઇરસ સૂવર જિલેટીન ધરાવતી  હોવા છતાં મુસ્લિમો માટે તેના ઉપયોગને મંજૂરી આપવા પાત્ર  છે. બીજી તરફ દેવબંધ દારૂલ ઉલૂમના મીડિયા કન્વિનર અશરફ ઉસ્માનીએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીના સંદર્ભમાં સંસ્થા તરફથી અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે દારૂલ ઉલૂમમા અત્યારે રજાઓ ચાલી રહી છે.

(10:10 am IST)