Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પીએફ જમા નહીં કરાવનાર કંપનીઓને દસ ગણી પેનલ્ટી

પીએફ જમા નહીં કરાવનાર કંપનીઓના માલિકો માટે જેલની સજાની જોગવાઇ પણ કરાશે

નવી દિલ્હી તા.૨૫: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નોકરી કરતા કર્મચારીઓ અને કામદારો માટે પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ના સંદર્ભમાં એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારીઓના પીએફના નિયમોમાં મોટો બદલાવ કરવાની તૈયારીમાં છે. હવે કર્મચારીઓનો પીએફ કાપીને જમા નહીં કરાવનાર કંપનીઓ પર તવાઇ આવશે.

કર્મચારીઓના પીએફની રકમ જમા નહીં કરાવનાર કંપનીઓ પર હવે ૧૦ ગણો દંડ ફટકારવામાં આવશે. સરકાર આ માટે શ્રમકાયદામાં પણ સુધારો કરવા જઇ રહી છે. એટલું જ નહીં કંપની જો પીએફ જમા કરાવવા માટે બહાનાબાજી કરશે અથવા ખોટી જાણકારી આપશે તો પણ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવા કાયદામાં જેલની સજાની પણ જોગવાઇ કરવામાં આવનાર છે. કર્મચારીઓનો પીએફ કાપીને જમા નહીં કરાવનાર કંપનીઓ માટે પેનલ્ટીની રકમ રૂ.૧૦,૦૦૦ વધારીને રૂ.એક લાખ કરવાની જોગવાઇ કરવામાં આવશે. પીએફ જમા નહીં કરાવનાર કંપનીના માલિકને એક વર્ષથી ત્રણ વર્ષની જેલની સજા કરવાની પણ જોગવાઇ કરવામાં આવનાર છે.

જો કોઇ પણ કંપની ખોટી જાણકારી કે માહિતી આપશે તો પણ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કંપનીઓ દ્વારા કર્મચારીઓના પીએફની રકમ જમા નહીં કરવાની સતત વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે કડક જોગવાઇઓ કરવા જઇ રહી છે. આ માટે કાયદામાં જરૂરી સુધારા કરાશે.

(3:48 pm IST)