Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સોના-ચાંદી-મોબાઈલ વગેરે મોંઘા થશેઃ GSTના બે સ્લેબ રાખવા ભલામણ

જીએસટીના દરોની સમીક્ષા કરવા કમિટી ઓફ ઓફિસર્સે પોતાનો રીપોર્ટ રજુ કર્યોઃ સોના-ચાંદી પર જીએસટીના દરને ૩ ટકાથી વધારી ૫ ટકા કરવા ભલામણઃ શિક્ષણ અને સ્વાસ્થ્યને ઉંચા ટેકસના સ્લેબમાં રાખવા સૂચનઃ જીએસટીના ૧૦ ટકા અને ૨૦ ટકાના સ્લેબની ભલામણઃ કુલ ૨૩ આઈટમ પર જીએસટી વધારવા પણ સલાહઃ સરકારની આવક વધારવાની ફોર્મ્યુલા આપી કમિટીએ

નવી દિલ્હી, તા. ૨૫ :. અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે આવકમાં વધારો કરવા જીએસટીના દરોમાં ફેરફાર કરવા વિચાર કરી રહી છે. આ માટે સરકારે જીએસટીના દરો પર સમીક્ષા માટે કમિટી ઓફ ઓફિસર્સની રચના કરી હતી હવે આ કમિટીએ પોતાની ભલામણો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર આ ભલામણો પર વિચાર કરી તેને જીએસટી પરિષદ સમક્ષ રાખશે. તે પછી જીએસટી કાઉન્સીલ નિર્ણય લેશે કે આ ભલામણોને સ્વીકારવી કે નહિ ? આ ભલામણોને એપ્રિલ ૨૦૨૦થી લાગુ કરવામાં આવશે. સરકારે આ કમિટીની રચના ઓકટોબરમાં કરી હતી. જે વસ્તુઓ ૫ અને ૧૨ ટકાના ટેક્ષના દાયરામાં છે તેને વધુ ઉંચા સ્લેબમાં લઈ જઈ શકાય તેમ છે. આ સિવાય કિંમતી ધાતુઓ જેમ કે સોના-ચાંદી પર જીએસટીના દરને ૩ ટકાથી વધારી ૫ ટકા કરવામાં આવે. આ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ ઉંચા ટેક્ષ સ્લેબમાં સામેલ કરવામાં આવે. એટલુ જ નહિ સ્પેશ્યલ લકઝરી આઈટમ્સને પણ ઉંચા દરોમાં રાખવી જોઈએ તેવી ભલામણ કરી છે.

જો જીએસટી કાઉન્સીલ આ ભલામણોને સ્વીકારી લે તો આવતા નવા વર્ષમાં સોના-ચાંદી તો મોંઘા થશે એટલુ જ નહિ એજ્યુકેશન અને હેલ્થ સેવાઓ પણ મોંઘી થઈ જશે. આ ઉપરાંત ભલામણો લાગુ થાય તો મોબાઈલ ફોન પણ મોંઘા થઈ જશે. જેની સૌથી વધુ અસર કૃષિ અને ખેડૂતો પર પડશે કારણ કે કમિટીએ ખાતર પર ડયુટી વધારવાની વાત જણાવી છે તેથી ખેડૂતને મળતુ ખાતર મોંઘુ થશે.

કમિટી ઓફિસર્સે સેસના દરોને મોંઘવારી સાથે જોડવા વોટર પમ્પ, મેડીકલ ઉપકરણ પર ડયુટી વધારવા સહિત કુલ ૨૩ આઈટમ પર જીએસટી વધારવા ભલામણ કરી છે. સમિતિએ ઈન્વર્ટર, એગ્રી મશીન, એલઈડી લાઈટ, ટ્રેકટર, ફેબ્રીક, ફાર્મા પર ડયુટી વધારવા ભલામણ કરી છે. કિંમતી મેટલ્સ પર જીએસટીના દર ૩ ટકાથી વધારી ૫ ટકા કરવા, મોબાઈલ પર ૧૨ ટકાથી વધારી ૧૮ ટકા દર કરવા, સોના-ચાંદી પર ૩ ટકાને બદલે ૫ ટકા જીએસટી એટલુ જ નહિ જીએસટી હેઠળ ૧૦ ટકા અને ૨૦ ટકાના બે રેટ રાખવા. ૧૨ ટકાવાળી અનેક આઈટમ પર જીએસટી વધારી ૧૮ ટકા કરવા, ૫ ટકાવાળી આઈટમ પર જીએસટી વધારી ૧૨ ટકા કરવા, કમ્પોઝીશન સ્કીમની સમીક્ષા કરવા પણ ભલામણ થઈ છે. મેન્યુફેકચરીંગ સેકટર માટે કમ્પોઝીશન રેટ વધારવામાં આવે તેવી ભલામણ થઈ છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટી કલેકશનમાં ૬૩૨૦૦ કરોડની ઘટ પડી શકે છે અને ૨૦૨૧ સુધીમાં આ ઘટ ૨ લાખ કરોડે પહોંચી શકે છે.

(11:39 am IST)