Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

બેંક એકાઉન્‍ટમાંથી થતાં નાના ટ્રાન્‍ઝેક્‍શન પર પણ બાજ નજર રખાશે

‘વન ટુ મેની', એક એકાઉન્‍ટમાંથી અનેક ખાતામાં નાની રકમના ટ્રાન્‍ઝેકશન પર વોચ રખાશે : બેંક મેનેજરોને આ રીતે થતાં અસામાન્‍ય વ્‍યવહારોની જાણકારી આપવા સુચના

નવી દિલ્‍હી,તા. ૨૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોકડની હેરાફેરી ઉપરાંત બેંક દ્વારા થતી નાણાકીફ લેવડદેવડ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. જેમાં રૂા. ૧૦ લાખ કે તેથી વધુના ટ્રાન્‍ઝેકશનની વિગતો ચકાસવામાં આવે છે. જો કે, આ સાથે કોઇ એક બેંક એકાઉન્‍ટ નંબરથી નાની રકમના અનેક એકાઉન્‍ટમાં ટ્રાન્‍ઝેકશન પર પણ વોચ રાખવામાં આવી રહી છે. ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે નાની રકમના ટ્રાન્‍ઝેકશન કરવામાં આવે તે માટે આ વિગતોની પણ ચકાસણી કરાઇ રહી છે. ઉપરાંત પ્રચાર માટે ભાડુતી માણસો કે અન્‍ય ખર્ચ માટે આ પ્રકારના ટ્રાન્‍ઝેકશન કર્યા હોય તો તે પણ જાણી શકાય તે માટે બેંકના મેનેજરોને અસામાન્‍ય જણાતા બેંક ટ્રાન્‍ઝેકશન પર નજર રાખવા માટે જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વહીવટી તંત્ર ચૂંટણીની કામગીરીમાં લાગી ગયું છે. ચૂંટણીમાં ઉમેદવારોની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ વખતે ઉમેદવારો રૂા. ૪૦ લાખ સુધીનો ખર્ચ કરી શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જો કે, આ સિવાય પણ ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચની જાણ બહાર ખર્ચ કરી આવા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

અમદાવાદની ૨૧ બેઠકો માટે પણ ચૂંટણી તંત્ર દ્વારા બેંકના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બેંકના વ્‍યવહારો પર ખાસ નજર રાખવા માટે સૂચના અપાઇ હતી. જેમાં રૂા. ૧૦ લાખ કે તેથી વધુની રકમના ટ્રાન્‍ઝેકશન અંગેની જાણ ઇન્‍કમટેક્‍સ વિભાગને કરવા માટે સુચના અપાઇ છે. ઉપરાંત ઉમેદવારોના બેંક એકાઉન્‍ટની વિગતો પર પણ નજર રાખવા માટે સુચના આપી છે. જો કે, આ સ્‍થિતીમાં ઉમેદવારો અન્‍ય એકાઉન્‍ટની મદદથી ટ્રાન્‍ઝેકશન કરે તે માટે પણ ખાસ વોચ રાખવા માટે તાકીદ કરાઇ છે.

‘વન ટુ મેની' એટલે કે એક બેંક એકાઉન્‍ટમાંથી નાની રકમના અનેક એકાઉન્‍ટમાં ટ્રાન્‍ઝેકશન થતાં હોય તેની પર પણ વોચ રાખવામાં આવી રહી છે. જો કે, આવા અસામાન્‍ય ટ્રાન્‍ઝેકશન પર જ વોચ રાખવામાં આવશે. કોઇ કંપની દ્વારા કે કોઇ પેઢી દ્વારા દર મહિને પોતાના કર્મચારીઓને રૂા. ૫૦૦ની રકમ આપવામાં આવતી હોય તો તે સામાન્‍ય ટ્રાન્‍ઝેકશન ગણાશે. પરંતુ કોઇ બેંક એકાઉન્‍ટમાંથી આ પ્રકારના ટ્રાન્‍ઝેકશન થતા ન હોય અને ચૂંટણી સમયે નાની રકમના અનેક બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍ઝેકશન થયા હોય તો તે અસામાન્‍ય ગણાશે અને તેની ચકાસણી કરાશે.

(10:15 am IST)