Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ત્રાસવાદી મોડ્યુઅલનો અંતે પર્દાફાશ : ત્રણ ઝડપાઈ ગયા

દિલ્હીમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા : આસામમાં એક ભરચક મેળામાં ટેસ્ટ એટેક કરવા યોજના પણ તૈયાર કરાઈ હતી : પાકિસ્તાન કનેક્શનને લઇ તપાસ

નવીદિલ્હી, તા. ૨૫ : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આસામના ગોલપારાથી ત્રણ લોકોને પકડી પાડ્યા છે. આ ત્રણ લોકો લોનવુલ્ફ એટેકની તૈયારી કરી રહ્યા હતા. ડીસીપી પ્રમોદ કુશવાહે માહિતી આપતા કહ્યું છે કે, પકડી પાડવામાં આવેલા શખ્સો પહેલા આસામમાં એક મેળામાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારબાદ તેમના ટાર્ગેટ પર દિલ્હીના લોકો હતા. સ્પેશિયલ સેલના ડીસીપી કુશવાહના કહેવા મુજબ ત્રણેય આરોપીઓની ઓળક કરી લેવામાં આવી છે જેમાં ઇસ્લામ, રણજીત અલી અને જમીલનો સમાવેશ થાય છે. ઝમીલ ૧૨માં ધોરણ સુધી ભણેલો છે જ્યારે ઇસ્લામ એક ડ્રાઇવર તરીકે છે. ફીશ ટ્રેડિંગના કારોબાર સાથે જોડાયેલો છે. રણજીત અલી ફીશ ટ્રેડિંગ કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યો છે.

          ત્રણેયની વય ૨૫થી ૩૦ વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણેય અપરાધીઓની પાસેથી હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આઈઇડી બનાવવા માટે તેમની પાસે વિસ્ફોટક પાવડરનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઇને ઉંડી તપાસ ચાલી રહી છે. તેમને આઈએસ સાથે પ્રેરિત હોવાની માહિતી મળી રહી છે. તેમની પાસેથી જે બોંબ મળી આવ્યા છે તેની બનાવટ આઈએસના વિડિયોમાં દર્શાવવામાં આવી છે તેવી જ છે.

           પોલીસના કહેવા મુજબ આ લોકોને પોતે જ હુમલો કરનાર ગ્રુપની રચના કરી હતી. આ સંગઠન પહેલા આસામમાં એક હુમલો કરવાની તૈયારીમાં હતા. ત્યારબાદ દિલ્હીના ભીડવાળા વિસ્તારમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ડીસીપીએ કહ્યું છે કે, આ લોકો લોનવુલ્ફ એટેકની યોજના તૈયાર કરી રહ્યા હતા. પાકિસ્તાનના કનેક્શનના સંદર્ભમાં પુછવામાં આવતા અધિકારીઓએ કહ્યું છે કે, હજુ આ સંદર્ભમાં તપાસ ચાલી રહી છે. કોઇપણ ટિપ્પણી કરવી હાલમાં યોગ્ય રહેશે નહીં.

(7:10 pm IST)