Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

અમદાવાદનો યુવક દિલ્હીના મેટ્રો સ્ટેશનેથી ૫૦ લાખની રોકડ સાથે ઝડપાતા IT ચોંકયું

રોકડ લઇ જવા માટેના દસ્તાવેજો અને અન્ય કારણો ન્હોતા

નવી દિલ્હી, તા.૨૫: દિલ્હી મેટ્રો સ્ટેશન પરથી CISFના જવાને ૧૯ વર્ષના લબરમૂછિયાની ૫૦ લાખ રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી. તે ગુજરાત સ્થિત ટ્રાન્સપોર્ટ ઓપરેટર વતી રોકડ લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘટના શનિવારે સાંજે બારાખંભા સ્ટેશન પર ત્યારે બની જયારે દિલીપ ઠાકુર બેગ લઈને ચાંદની ચોક સ્ટેશન જવા માટે પહોંચ્યો હતો.

CISFના જવાન દ્વારા જે બેગ જપ્ત કરવામાં આવી તેમાં ૫૦ લાખ રૂપિયાની રોકડમાં ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની ચલણી નોટો હતી, આટલી રોકડ રકમ પાછળનું કારણ જયારે શખ્સ જણાવી શકયો નહીં તો તેના માલિકને સમન પાઠવવામાં આવ્યું.

તેનો મેનેજર જલ્પેશ કે.બી. પટેલ (૩૨) સ્ટેશને પહોંચ્યો હતો અને તે ટ્રાન્સપોર્ટ કમિશનનો બિઝનેસ કરતો હોવાનું જણાવ્યું હતું અને આ રોકડને ગુજરાતના અમદાવાદમાં રહેતા કંપનીના માલિક ધ્રુવભાઈના આદેશથી ટ્રાન્સફર કરવાની હોવાનું જણાવ્યું હતું. મેનેજરે જણાવ્યું કે રોકડ રકમ ચાંદની ચોક પર મોકલવાની હતી.

રોકડ લઈ જવા માટેના દસ્તાવેજો અને માન્ય કારણ ન હોવાથી કેસ અને રોકડ આવકવેરા વિભાગને વધુ તપાસ માટે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કાળા નાણાને રોકવા માટે સરકારે ૨૦૧૭થી એક ટ્રાન્ઝેકશનમાં ૨ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ પર પ્રતિબંધ લગાવ્યો છે.

મધ્યપ્રદેશના ભોપાલમાંથી પણ ૧૭ લાખ રૂપિયાની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. હનુમાનગંજ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ મહેન્દ્ર સિંહ ઠાકુરના જણાવ્યા પ્રમાણે પોલીસને શનિવારે બાતમી મળી હતી કે બાઈક પર સવાર બે શખ્સ રોકડ લઈને તે તરફ આવી રહ્યા છે. બંને શંકાસ્પદોને ઝડપવા માટે પોલીસની બે ટીમોનું ગઠન કરાયું હતું. જે બાદ તેમણે બાઈકનો પીછો કર્યો હતો અને ૧૬,૮૯,૫૦૦ રૂપિયાની રોકડ સાથે ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ અને ધવલ કુમાર પરમારની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ગુજરાતના હતા. બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ તેમણે કબૂલાત કરી હતી કે તેમણે આ રૂપિયા ભોપાલના એક વેપારી પાસેથી લીધા હતા અને મુંબઈ લઈ જઈ રહ્યા હતા. બંને રકમના દસ્તાવેજો પોલીસ સમક્ષ રજૂ કરી શકયા નહીં.

(11:57 am IST)