Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા જ અજિત પવાર એકલા પડી ગયાઃ ૫૩ ધારાસભ્યો NCPની સાથે!

નવાબ મલિકે કહ્યું છે કે, પાર્ટીનાં ૫૪માંથી ૫૨ ધારાસભ્યો શરદ પવારની સાથે છે અને અજિત પવાર હવે એકલા પડી ગયા છે

મુંબઇ, તા.૨૫: મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા ૩ દિવસમાં ચોંકાવનારા જોડ-તોડે એક પછી એક ટ્વિસ્ટ આપ્યા છે. બીજેપી જયાં સરકાર બનાવ્યા બાદ બહુમત મેળવવાની મથામણ કરી રહી છે, તો વિરોધ પક્ષ પોતાના ધારાસભ્યોને તૂટવાથી બચાવવામાં લાગ્યો છે. આ ક્રમમાં સોમવાર સવારે ૫ વાગ્યે એનસીપીનાં દિગ્ગજ નેતા છગન ભુજબલ પોતાના ધારાસભ્યોને મળવા હોટલ હયાત પહોંચ્યા. બીજી તરફ એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું છે કે, પાર્ટીનાં ૫૪માંથી ૫૨ ધારાસભ્યો શરદ પવારની સાથે છે અને અજિત પવાર હવે એકલા પડી ગયા છે.

ભુજબલે કહ્યું કે, 'હું અહીં મારા ધારાસભ્યોને મળવા આવ્યો છું. અમારા એક અથવા બે ધારાસભ્યો જ અહીં નથી. બાકી અમારી સંપૂર્ણ સંખ્યા છે.'  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ફલોર ટેસ્ટથી પહેલા તમામ દળોએ પોત-પોતાના ધારાસભ્યોને હોટલમાં રાખ્યા છે. ધારાસભ્યો પર તમામ દળો નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રની રાજનીતિનાં ચાણકય કહેવાતા શરદ પવારની પાર્ટીથી ધારાસભ્ય તૂટવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આ કારણથી પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યોને એક જ હોટલમાં રોકયા છે.

ઉલ્લેખનીય છે કે શરદ પવારનાં ભત્રીજા અજિત પવારે તમામને ચોંકાવતા શનિવારનાં બીજેપીને સમર્થન આપ્યું હતુ અને ઉપ-મુખ્યમંત્રીનાં શપથ લઈ લીધા હતા, જયારે એક દિવસ પહેલા સુધી એનસીપી, શિવસેના અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાને લઇને ગઠબંધનની વાતો ચાલી રહી હતી અને શિવસેના ચીફ ઉદ્ઘવ ઠાકરેને ગઠબંધનનાં નેતા પણ માની લીધા હતા.

મલિકે કહ્યું કે, 'પાર્ટીના પ૨ ધારાસભ્યો પરત આવી ગયા છે અને અન્ય એક ધારાસભ્ય અમારા સંપર્કમાં છે.' મલિકે શાયરનાં અંદાજમાં બીજેપી પર પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનાં સીએમ અને અજિત પવારનાં ડેપ્યૂટી સીએમ પદનાં શપથને અમાન્ય ગણાવવા માટે કોંગ્રેસ, શિવસેના અને એનસીપીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

(11:52 am IST)