Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કોરોના મહામારી હજુ ગઈ નથીઃ WHOની વિશ્વને ચેતવણી

કોરોના મહામારી ત્‍યારે જ સમાપ્‍ત થશે કે જ્‍યારે વિશ્વ તેને સમાપ્‍ત કરવા ઈચ્‍છશેઃ ડબલ્‍યુએચઓના પ્રમુખ : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૩૦૬ કેસઃ ૪૪૩ લોકોના મોતઃ દેશનો કુલ મૃત્‍યુઆંક ૪૫૪૭૧૨: હાલ એકટીવ કેસ ૧૬૭૬૯૫

નવી દિલ્‍હી, તા. ૨૫ :. કોરોના વાયરસનો કહેર ભલે થોડો ઓછો થયો હોય પરંતુ તે હજુ સમાપ્‍ત થયો નથી. વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ધેબરિયસએ દુનિયાને ફરી એક વખત ચેતવણી આપતા કહ્યુ છે કે કોરોના વાયરસની મહામારી હજુ સમાપ્‍ત નથી થઈ અને વિશ્વએ તેનાથી નિપટવા માટે સાર્વજનિક સ્‍વાસ્‍થ્‍ય ઉપકરણોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂર છે. ડબલ્‍યુએચઓના પ્રમુખે જણાવ્‍યુ છે કે મહામારી ત્‍યારે જ સમાપ્‍ત થશે કે જ્‍યારે વિશ્વ તેને સમાપ્‍ત કરવા ઈચ્‍છશે.
ડબલ્‍યુએચઓના પ્રમુખે બર્લિનમાં વર્લ્‍ડ હેલ્‍થ સમિટને સંબોધન કરતા કહ્યુ હતુ કે કોરોના મહામારી ત્‍યાર જ સમાપ્‍ત થશે કે જ્‍યારે દુનિયા તેને સમાપ્ત કરવાની ઈચ્‍છા રાખશે. હવે બધુ આપણા હાથમાં છે. આપણી પાસે એ બધા ઉપકરણો છે જેની આપણે જરૂર છે. જેમ કે અસરકારક સાર્વજનિક સ્‍વાસ્‍થ્‍ય ઉપકરણ અને અસરકારક ચિકિત્‍સા ઉપકરણ. પરંતુ દુનિયાએ આ ઉપકરણોનો યોગ્‍ય રીતે ઉપયોગ નથી કર્યો. એક સપ્તાહમાં લગભગ ૫૦ હજારના મોત થયા છે. આ પ્રકારે મહામારી હજુ પુરી નથી થઈ.
તેમણે દુનિયાભરના દેશોને રસીકરણમાં ઝડપ લાવવા અપીલ કરી હતી.
દરમિયાન ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૩૦૬ નવા કેસ સામે આવ્‍યા છે અને એ દરમિયાન ૪૪૩ લોકોના મોત થયા છે. ૧૮૭૬૨ લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે.
સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે દેશમાં હાલ ૩ કરોડ ૪૧ લાખ ૮૯ હજાર ૭૭૪ કેસ આવ્‍યા છે. આમાથી ૧ લાખ ૬૭ હજાર ૬૯૫ દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે તો ૩ કરોડ ૪૫ લાખ ૬૭ હજાર ૩૬૭ લોકોને રજા આપવામાં આવી છે. અત્‍યાર સુધીમાં ૪ લાખ ૫૪ હજાર ૭૧૨ લોકોના મોત થયા છે.

 

(11:00 am IST)