Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

બાડમેરમાં મોટી દુર્ઘટના :IAF નું મિગ -21 બાઇસન પ્લેન ક્રેશ

તાલીમ માટે ઉડાન ભરી રહ્યું હતું પછી દુર્ઘટનાનો શિકાર બન્યું: કેટલાય કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા : વિમાન ક્રેશ થતા કેટલાક ઝૂંપડા અને અન્ય કાચા મકાનોમાં આગ લાગી

ભારતીય વાયુસેનાનું મિગ -21 બાઇસન ફાઇટર જેટ બુધવારે રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. ઘટનામાં પાયલોટ સુરક્ષિત છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનિંગ દરમિયાન અકસ્માત થયો હતો. રાહતની વાત છે કે આ વિમાન કોઈ રહેણાંક વિસ્તારમાં પડ્યું નથી. વિમાન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. વિમાન ક્રેશ થયું ત્યારે ઘટનાસ્થળની આસપાસ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. વિમાનના પાયલોટને સામાન્ય ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સમયે આ મિગ -21 બાઇસન ફાઇટર જેટ વિમાન નિયમિત તાલીમ માટે ઉડાન ભરી રહ્યું હતું, પછી તે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.જ્યાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં કેટલાક ઝૂંપડા અને અન્ય કચ્ચા મકાનો હાજર હતા. વિમાન પડવાના કારણે અને આ મકાનોમાં આગ લાગી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનીના અહેવાલ નથી. ગ્રામજનોએ કાદવ અને પાણીની મદદથી વિમાન અને મકાનોમાં લાગેલી આગ બુઝાવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીને કારણે વિમાન ટેક-ઓફ કર્યાના થોડા જ સમયમાં ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાને બાડમેરના ઉત્તરલાઈ એરબેઝ પરથી ઉડાન ભરી અને અચાનક વિમાન નીચે પડવાનું શરૂ થયું. આ દરમિયાન, પાયલોટ વિમાનને વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ ગયો. આ પછી પાયલોટ પોતાને ઇજેકટ કર્યો હતો. જેના કારણે તેનો જીવ બચી ગયો. અત્યારે આ દુર્ઘટના અંગે એરફોર્સ કે વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાન ક્રેશ થયા પહેલા આકાશમાં ગર્જનાનો અવાજ સંભળાયો હતો અને તે પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. એવું લાગ્યું કે કોઈ મોટો બોમ્બ ફૂટ્યો છે. વિમાન ક્રેશ થયા પછી કેટલાય કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

(7:46 pm IST)