Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

મારામાં ઠાકરે કરતાં વધારે શિષ્ટાચારઃ યોગી

ઉદ્ઘવ ઠાકરેએ પણ કહ્યું હતું કે મન થાય છે કે યોગી આદિત્યનાથને ચપ્પલથી મારૂ

ઉદ્ઘવ ઠાકરેને ખબર નથી કે ભારતની આઝાદીના કેટલા વર્ષ થયાઃ રાણે

નવી દિલ્હી, તા.૨૫: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની જે વાત માટે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી બરોબર આવી જ વાત રાજયના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અંગે એક રેલીમાં ખુલ્લેઆમ કહી હતી.

રાયગઢ જિલ્લામાં જનઆશીર્વાદ યાત્રા દરમિયાન નારાયણ રાણેએ જણાવ્યું હતું કે આ બાબત શરમજનક છે કે મુખ્યમંત્રી ઉદ્ઘવને તે ખબર નથી કે ભારતની આઝાદીને કેટલા વર્ષ થઈ ગયા. ભાષણ દરમિયાન તે પરત ફરીને આ પૂછતા નજરે આવ્યા હતા. જો હું ત્યાં હોત તો તેમને એક જોરદાર થપ્પડ મારત.

આના પગલે રાણેની ધરપકડ કરવામાં આવતા ઉદ્ઘવ ઠાકરેના તે નિવેદનની પણ ચર્ચા થવા લાગી જે તેમણે યોગી આદિત્યનાથની સામે આપ્યું હતું. ઠાકરેએ યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવાની વાત કહી હતી. ઠાકરેએ આ નિવેદન મે ૨૦૧૮માં પાલદ્યરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યુ હતું. આ સમયગાળા દરમિયાન ભાજપ અને શિવસેનાના સંબંધોમાં કડવાશ આવી ચૂકી હતી.

ઉદ્ઘવ ઠાકરેનું કહેવું હતું કે શિવાજીની પ્રતિમાને માળા અર્પણ કરતી વખતે યોગી આદિત્યનાથે ચપ્પલ પહેર્યા હતા. તેમણે આમ કરીને શિવાજીનું અપમાન કર્યુ. તેમણે આગળ જણાવ્યું હતું કે યોગી ગેસથી ભરેલા ફુગ્ગા જેવા છે, જે ફકત હવામાં ઉડતા રહે છે. આવ્યો અને સીધો ચપ્પલ પહેરીને શિવાજી મહારાજની પાસે ગયો. મને લાગતું હતું કે આ ચપ્પલથી જ તેને મારૂ.

ઠાકરેના આ નિવેદન પર યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી અંદર તેમના કરતાં વધારે શિષ્ટાચાર છે અને હું જાણું છું કે શ્રદ્ઘાંજલિ કેવી રીતે અપાય છે. મારે તેમની પાસેથી કશું શીખવાની જરૂર નથી.

(11:40 am IST)