Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

આઇટીમાં ટ્રસ્ટ નોંધણીની મુદત નહીં વધે તો ૩૦ ટકા ટેકસ ભરવો પડશે

ટ્રસ્ટની નોંધણી આઇટીમાં કરાવવાની છેલ્લી મુદત ૩૧ ઓગસ્ટ : આઇટી પોર્ટલને કારણે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન જ થતુ નહીં હોવાથી પરેશાની

મુંબઇ,તા. ૨૫: નવા નિયમ હેઠળ તમામ ટ્રસ્ટે ઇન્કમટેકસમાં નોંધણી કરાવશે તો જ તેઓને ૮૦ જી હેઠળ સહિતના લાભો મળશે. જે ટ્રસ્ટ નોંધણી નહીં કરાવે તેણે ૩૦ ટકા લેખે ઇન્કમટેકસની વસૂલાત કરવાનો નિયમ લાગુ કરાયો છે, પરંતુ હાલમાં આઇટીનું પોર્ટલ જ યોગ્ય રીતે ચાલતંુ નહીં હોવાના લીધે ટ્રસ્ટ સંચાલકોની પરેશાની વધી છે, કારણ કે ટ્રસ્ટની નોંધણી કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે, જેથી મુદતમાં વધારો કરવામાં નહીં આવે તો ટ્રસ્ટ સંચાલકોએ ૩૦ ટકા લેખે ટેકસ ભરવો પડશે અથવા તો હાઇકોર્ટમાં જવાની સ્થિતિ આગામી દિવસોમાં સર્જાવાની છે.

એક એપ્રિલથી તમામ ટ્રસ્ટોએ ઇન્કમટેકસમાં નોંધણી કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા અનેક ટ્રસ્ટ હજુ કાગળ પર જ ચાલી રહ્યા છે. આવા ટ્રસ્ટ સરકારી લાભ લેતા હોય છે. પરંતુ સમયાંતરે ઓડિટ રિપોર્ટ સહિતની કાર્યવાહી કરવાની હોય તે કરતા નહીં હોવાના કારણે અનેક ગોબાચારી પણ આચરવામાં આવતી હોય છે. આ તમામ સમસ્યાના નિરાકરણ માટે ઇન્કમટેકસ વિભાગે ટ્રસ્ટની નોંધણી ફરજિયાત કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ માટે પહેલા ૩૦ જૂન સુધીમાં નોંધણી કરાવી લેવાની હતી. જયારે આઇટી પોર્ટલ યોગ્ય રીતે ચાલતુ નહીં હોવાના કારણે આ મુદતમાં વધારો કરીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. જયારે ૩૧ ઓગસ્ટ સુધીમાં પણ અનેક ટ્રસ્ટની નોંધણી કરવાની બાકી છે. જ્યારે પોર્ટલ પણ ચાલતુ નહીં હોવાના લીધે છેલ્લી મુદત પહેલા નોંધણી થવાની શકયતા બહુ ઓછી છે. આવા કારણોસર મુદત વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(10:20 am IST)