Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

પ્રેમિકાના પરિવારજનોએ યુવકને ઘરે બોલાવી હત્યા કરી

બિહારના મુઝફ્ફરપુરની એક હૃદય કંપાવનારી ઘટના : યુવકની લાશ તેના ગામમાં પહોંચતા તણાવનો માહોલ, પ્રેમિકાના ઘર સામે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

મુઝફ્ફરપુર, તા.૨૫ : બિહારના મુઝફ્ફરપુરમાં એક હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવકને પ્રેમમાં મોતની સજા મળી છે. પ્રેમિકાના પરિવારજનોએ યુવકને ઘરે બોલાવી નિર્મમ હત્યા કરી હતી. એટલું નહીં, તેનું પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યો. મળતી માહિતી પ્રમાણે ઘટના કાંટી પોલીસ સ્ટેશનના સોનબરસા ગામની છે. મૃતકની ઓળખ રેપુરા રામપુર શાહ ગામના રહેવાસી મનીષ ઠાકુરના ૧૮ વર્ષીય પુત્ર સૌરભ રાજ તરીકે થઈ છે.

પોસ્ટમોર્ટમ બાદ જ્યારે સૌરભની લાશ ગામમાં પહોંચતા તણાવપૂર્ણ માહોલ હતો અને ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો. એટલું નહીં, લોકોમાં એટલો જોરદાર ગુસ્સો હતો કે, તેઓએ મૃતકની ડેડબોડી પ્રેમિકાના ઘરના દરવાજા પર લઈ ગયા અને ત્યાં સંપૂર્ણ રિવાજો સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામમાં તણાવને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મૃતક સૌરભ રાજ ઓડિશામાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે ચાલુ મહિને જુલાઈના રોજ બહેનના લગ્નમાં સામેલ થવા આવ્યો હતો. શુક્રવારે રાત્રે યુવતીના પરિવારજનોએ સૌરભને બોલાવ્યો અને યુવતીની સામે નિર્દયતાથી માર માર્યો હતો. એટલું નહીં, તેનું પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યો અને ત્યારબાદ અધમરી હાલતમાં યુવકના પરિવારને હવાલે કર્યો હતો.

પરિવારના સભ્યોએ યુવકને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોકટરોએ સૌરભને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

 સિટી એસપી રાજેશકુમારે જણાવ્યું હતું કે પોલીસ ગામમાં કેમ્પ કરી રહી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પણ ચાલુ છે.

(7:32 pm IST)