Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

દેશમાં ચાની ચુસ્કી થઇ શકે છે મોંઘી

આસામમાં પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાનઃ લગભગ ૨૦ કરોડ કિલોગ્રામ પાકનો નાશ થઇ ગયો

નવી દિલ્હી તા. ૨૫ : લોકડાઉન બાદ આસામમાં પુરના કારણે ચાના પાકને સૌથી મોટું નુકસાન થયું છે. આ સાથે જ દેશવ્યાપી લોકડાઉનથી ચાના પાકને અસર થઈ છે. લોકડાઉનમાં શ્રમિકોની ગેરહાજરીથી ઉત્પાદનને અસર થઈ છે. આ સિવાય આસામમાં પુરના કારણે કેટલા બગીચાઓ પાણીમાં ગરકાવ થયા છે. લોકડાઉન-પુરના કારણે ચાનાં ઉત્પાદનમાં ૨૦ કરોડ કિલોની ઘટની શકયતા સેવાઈ રહી છે. જેના કારણે ચાના ભાવ ઉંચકાઈ શકે તેવી શકયતા છે.

વરસાદ અને કોરોનાના લોકડાઉનની અસર હવે ચાના રસિકોને પણ થશે. આ બંને સ્થિતિને કારણે ચાના પાકને એટલું નુકસાન થયું છે કે લગભગ ૨૦ કરોડ કિલોગ્રામ પાકનો નાશ થઈ ગયો છે. આને કારણે સ્થાનિક બજારમાં ચાના ભાવમાં કિલોદીઠ ૧૦૦ રૂપિયા જેટલો વધારો થયો છે. મળતી માહિતી મુજબ કેટલીક જાણીતી કંપનીઓ હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્ઝયુમર પ્રોડકટ્સ અને વાઘબકરીએ ચાના ભાવમાં ૧૦-૧૫ ટકાનો વધારો કર્યો છે.

એપ્રિલ અને મેમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન તથા આસામમાં અનિયમિત વરસાદને કારણે ચાના પાકને નુકસાન થયું છે. ટી ઓસોશિએશન ઓફ ઈન્ડિયા (ITA)ના અંદાજ મુજબ ઉત્તર ભારત, આસામ અને ઉત્તર બંગાળમાં ચાના ઉત્પાદનમાં ગયા વર્ષે સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન ૪૦ ટકાનો ઘટાડો થયો છે. હવે કંપનીઓ આ પછી ફરી એક વાર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.

લોકડાઉન અને વારસાદને કારણે પાકનું ઓછું ઉત્પાદન થવાથી હરાજીમાં ચાની કિંમતોમાં વધારો થયો છે. ITAએ કહ્યું કે, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં શ્રમિકોની અછતને કારણે લીલી ચાના પત્તાઓએ ઓછા તોડવામાં આવી રહ્યા છે. જેને કારણે ઉત્પાદન પ્રભાવિત થયુ છે. ITA મુજબ, બે જીલ્લામાં સતત વરસાદથી બગીચાઓમાં ગ્રિડ બંધ થવાની સમસ્યા થઈ રહી છે. જેને કારણે પાક ઘટ્યો છે.

(11:36 am IST)