Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

દિવાળી સુધીમાં સોનું રૂ. ૬૫,૦૦૦ અને ચાંદી રૂ. ૯૦,૦૦૦ થવાની શકયતા

૧૬ માર્ચ ૨૦૨૦ પછી સોનામાં ૩૨ ટકા અને ચાંદીમાં ૧૮ માર્ચ પછી ૮૬ ટકાની તેજી જોવા મળી

મુંબઇ તા. ૨૫ : કોરોના રોગચાળા વચ્ચે સોના અને ચાંદીમાં વણથંભી તેજી જોવા મળી રહી છે. બુલિયન માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવાળી સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૬૫, ૦૦૦ સુધી જઈ શકે છે. તો બીજી તરફ ચાંદી માગમાં સતત વધારાના કારણે પ્રતિ કિલો રૂ.૯૦ હજાર સુધી જઈ શકે.

કોરોના વાઈરસનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે ત્યારે રોકાણકારો સોના-ચાંદીને રોકાણમાટે ખરીદી રહ્યાં છે. 'ક્રૂડતેલ અને રિયલ એસ્ટેટમાં રોકાણ' થઈ રહ્યું છે પણ તેમાં સોના અને ચાંદીના જેટલું નથી.

કોરોના સમયમાં સોના અને ચાંદીમાં રોકાણ કરવાથી રોકાણકારોને ઊંચું વળતર મળ્યું છે. ૧૬ માર્ચ ૨૦૨૦ પછી સોનામાં ૩૨ ટકા અને ચાંદીમાં ૧૮ માર્ચ પછી ૮૬ ટકાની તેજી જોવા મળી છે.

અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક તણાવ અને અન્ય ભૂરાજકીય પરિબળોના કારણે સુરક્ષિત રોકાણ તરફ રોકાણકારોનું વલણ જોવા મળ્યું છે. તેમાં તેમની પહેલી પસંદ સોનું અને ચાંદી છે.

આ ઉપરાંત અમેરિકન ડોલર મુખ્ય છ વૈશ્વિક ચલણો સામે નબળો પડવાના કારણે સોના ચાંદીમાં તેજી વણથંભી બની છે. ડોલરમાં પણ રોકાણ થાય છે પણ ૧૮ માર્ચે ડોલર ઇન્ડેકસ ૧૦૦.૪૩ હતો તે અત્યારે ઘટીને ૯૪.૮૭ ઉપર આવી ગયો છે.

મેકિસકોમાં કોરોનાનો વ્યાપ વધતાં ચાંદીનો પુરવઠો ખોરવાઈ જતાં તેના ભાવમાં જબરદસ્ત તેજી આવી છે. તે સાથે ચાંદીની ઔદ્યોગિક માગ પણ વધવાથી તેમાં તેજીને બળ મળ્યું છે.

પીએનજી જવેલર્સના સૌરભ ગાડગિલના જણાવ્યા મુજબ આગામી દિવાળીના તહેવારો સુધી સોનામાં તેજીનું વલણ જોવા મળશે. તેના ભાવ રૂ.૬૫,૦૦૦ સુધી જઈ શકે. ગ્રાહકો માટે આ સમય સોનામાં રોકાણ કરવા માટે ઉત્ત્।મ છે.

રોકાણકારોએ તેના પોર્ટફોલિયોમાં સોના માટે ૨૫ ટકા રોકાણ અનામત કરવું જોઈએ, તેમને શ્રેષ્ઠ રિટર્ન મળી શકે અને આ રોકાણ હંમેશા સુરક્ષિત માનવામાં આવે છે.

વામન હરિ પેઠેના ડિરેકટર આદિત્ય પેઠેએ જણાવ્યું કે સોનાના ભાવમાં હજી ૧૦થી ૧૫ ટકાનો ઉછાળો સંભવ છે. લોકો સોનામાં રોકાણ કરવા ઉત્સુક છે, લોકો હજી સોનું ખરીદી કરવા આગળ આવી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે સોનામાં તેજી હજી આગળ વધશે.

સૌરભ ગાડગિલનું માનવું છે કે સોના કરતાં ચાંદીમાં તેજી મજબૂત બનશે. ઔદ્યોગિક માગ વધવાથી ચાંદીના ભાવ ઓર વધશે. સોલાર પેનલ અને ૫જી ટેકનોલોજીમાં ચાંદીનો ઉપયોગ વધવાથી આ કિંમતી ધાતુમાં તેજી આગળ વધી છે.

આગામી દિવાળી સુધીમાં ચાંદી કિલોએ રૂ.૯૦ હજાર સુધી જઈ શકે. આ તેજી બે વર્ષ સુધી રહેશે. ઓટો ઉદ્યોગમાં માગ શરૂ થતાં ચાંદીને ટેકો મળશે, એમ ગાડગિલનું માનવું છે.

(9:43 am IST)