Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

મોદીને ભેટવા રાહુલ ૪ મહિનાથી રાહ જોતા હતા

તેમનો આ વિચાર સ્વયં સ્ફૂરિત ન હતોઃ નફરત સામે પ્રેમનો સંદેશ આપવા રાહુલ ગાંધી થનગનતા હતા

નવી દિલ્હી તા. રપ :.. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મોદીને ભેટવું હજુ પણ લોકોના મગજમાંથી નથી નીકળ્યું. સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે અશ્વિાસ પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન જયારે પોતાનું ભાષણ આપતી વખતે અચાનક રાહુલ ગાંધી મોદીને ભેટી પડયા તો લોકોને વિશ્વાસ નહોતો આવ્યો કે ઓચિંતુ આ શું થયું? પણ સુત્રોનું માનવામાં આવે તો ચારેબાજુ ચર્ચિત આ ઘટનાની રાહ રાહુલ ગાંધી ઘણા મહીનાઓથી જોઇ રહ્યા હતાં. શુક્રવારે અવિશ્વાસ, પ્રસ્તાવ દરમ્યાન બનેલી આ ઘટનાએ મીડીયામાં સનસનાટી ફેલાવી હતી. પણ સુત્રોનું માનીએ તો રાહુલ ગાંધીનો આ નિર્ણય સ્વયં સ્ફુરીત નહોતો પણ એના જુગાડમાં તે ઘણા સમયથી હતાં. રાહુલ ગાંધી લગભગ ત્રણ મહિનાથી આ પળની રાહ જોઇ રહ્યા હતા કે કેવી રીતે મોદીને જાહેરમાં ભેટીને એક અલગ, પ્રકારનો સંદેશો ફેલાવાય.

જો કે આની પાછળનું જે કારણ બતાવાય રહ્યું છે તે એવું છે કે મોદીએ આપેલા ભાષણોમાં, પોતાના માટે માતા સોનીયા ગાંધી અને ગાંધી પરીવાર માટે ગુસ્સો અને ધૃણા અનુભવી હતી. આજ કારણે રાહુલ ગાંધી આનો બદલો એવી રીતે લેવા માગતા હતા કે જેમાં તે એવો સંદેશ આપી શકે કે તે પ્રેમ કરવા વાળા છે જયારે ભાજપા નફરત ફેલાવતો પક્ષ છે.

રાહુલ ગાંધીના નજીકના સુત્રોએ કહયું કે વડાપ્રધાન મોદીને ભેટવાનો વિચાર રાહુલને ત્રણ-ચાર મહિના પહેલા આવ્યો હતો, જયારે તેમણે મોદીને ગાંધી પરિવાર અને સોનીયા ગાંધીની ટીકા કરતા સાંભળ્યા હતા. આજ કારણે મોદીના આ ક્રોધ, ટીકા અને ઘૃણાનો વળતો જવાબ આપવા રાહુલે આ રસ્તો અપનાવ્યો હતો. રાહુલ ગાંધીએ વિચાર્યુ કે જાહેરમાં જ પ્રેમનું પ્રદર્શન કરવું મોદી માટે સાચો જવાબ ગણાશે.

આજ કારણ હતું કે રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં સંસદમાં પોતાનું ભાષણ આપીને મોદી પાસે ગયા અને તેમને ભેટી પડયા, આ દરમ્યાન વડાપ્રધાન મોદી સહિત સંસદમાં હાજર બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. પછીતો આ ઘટના સોશીયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. આ દરમ્યાન સંસદમાં રાહુલ ગાંધીએ કહયું કે તમે મને ગાળો આપો, પપ્પુ કહો, ગુસ્સો કરો કે નફરત કરો, હું તમને નફરત નહીં કરૃં, હું કોંગ્રેસી છું અને હું તમારા અંદરની નફરત અને ઘૃણાને બહાર કાઢીશ.(પ-ર૮)

(4:06 pm IST)