Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

કવેટામાં ભયાનક બોંબ ધડાકો : ૩૧ના મોત : પાકિસ્તાનની ચૂંટણી લોહિયાળ : કોણ સત્તારૂઢ ? ફેંસલાની ઘડીઃ રાતથી પરિણામો

સવારથી અનેક મત કેન્દ્રો પર લાઇનો : નાલાયક ત્રાસવાદી હાફિઝ સઇદે પણ કર્યુ મતદાન

ઇસ્લામાબાદ તા. ૨૫ : પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી લોહિયાળ બની ગઇ હતી. કારણ કે મતદાનના ગાળા દરમિયાન જ બલચિસ્તાનમાં કવેટામાં પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. બીજી બાજુ લશ્કરે તોયબાના ચીફ અને મુંબઇ હૂમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદે મતદાનમાં ભાગ લીધો હતો અને મતદાન કર્યુ હતું. કેટલીક જગ્યાએ રાજકીય પાર્ટીના કાર્યકરો વચ્ચે પણ અથડામણ થઇ છે, જેમાં એક વ્યકિતનું મોત થયું છે.

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ૨૭૨ બેઠકો માટે ૩૪૫૯ ઉમેદવારો તો પંજાબ, સિંધ, બલુચીસ્તાન અને ખૈબર-પખતુનખવા પ્રાંતીય એસેમ્બલીની ૫૭૭ બેઠકો માટે ૮૩૯૬ ઉમેદવારોનુ ભાવિ મતદારો મતપેટીમાં કેદ કરી રહ્યા છે. દેશભરના ૮૫ હજાર મતદાન કેન્દ્રો પર લોખંડી સુરક્ષા વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યુ છે. મતદાન પુરૂ થાય તે પછી તરત જ મત ગણતરી શરૂ કરવામાં આવશે.

મળતા અહેવાલ મુજબ આજે સવારથી જ અનેક મત કેન્દ્રો પર મતદાન માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આતંકી હુમલાની આશંકાને કારણે દેશભરમાં ૩.૭૧ લાખ સૈન્ય ટુકડીઓ અને ૧૬ લાખ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ચૂંટણી રેલીઓ દરમિયાન ત્રાસવાદી હુમલામાં ૧૭૫ લોકોના મોત થયા હતા. પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ અને ધાર્મિક પક્ષો પણ મેદાનમાં હોવાથી હિંસાની શકયતા પહેલેથી જ વધી ગઈ હતી. પેશાવરમાં વોટીંગ દરમિયાન હિંસાની આશંકાને જોતા ૧૦૦૦ કફન પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યા છે. નાલાયક અને ત્રાસવાદી હાફીઝ સઈદનો પુત્ર પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે.

અનેક પ્રાંતોમા મતદાન કેન્દ્રોની આસપાસ મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાકિસ્તાનની આ ૧૧મી ચૂંટણી છે. આ મતદાનને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ વડાપ્રધાને પોતાના કાર્યકાળ પુરો કર્યો નથી. આ વખતે ખરી ટક્કર ઈમરાનના પક્ષ અને નવાઝના પક્ષ વચ્ચે છે. અત્રે એ નોંધનીય છે કે ભ્રષ્ટાચારના આરોપસર નવાઝ શરીફ અને તેની પુત્રી જેલમાં છે. પાકિસ્તાને ૭૦ વર્ષના ઈતિહાસમાં અનેક વખત સત્તાપલ્ટો જોયો છે. મોટાભાગનો સમય સેનાના હાથમાં રહ્યો છે. પાકિસ્તાનમાં સરકાર કરતા સૈન્ય વધુ પ્રભાવી હોય છે.(૨૧.૨૭)

(4:54 pm IST)