Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

કોંગ્રેસને વિરોધ પક્ષનો કોઈ પણ નેતા વડાપ્રધાન પદ માટે મંજુર

એક માત્ર શર્ત - તેને આરએસએસનું સમર્થન ન હોવું જોઈએ

નવી દિલ્હી, તા. ૨૫ :. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને પરોક્ષ રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવવાનો દાવ રમ્યો હતો પણ ત્રણ દિવસમાં જ તે પોતાના બયાનથી ફરી રહી હોય તેવું લાગે છે. મંગળવારે પક્ષના ઉચ્ચ સૂત્રોએ સ્પષ્ટતા કરી કે અમને આરએસએસનું સમર્થન ન હોય તેવા વિપક્ષના કોઈ પણ પક્ષના નેતા વડાપ્રધાન પદ માટે મંજુર હશે. રાહુલની દાવેદારીને ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા સિવાય કોઈ પણ પક્ષના ટેકો ન મળ્યા પછી કોંગ્રેસેના વલણમાં ફેરફાર આવ્યો છે. રાજદ નેતા તેજસ્વી યાદવે તો કહ્યુ છે કે, રાહુલ જ વિરોધ પક્ષના એક માત્ર નેતા નથી જ્યારે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ છે કે, સન્માનજનક બેઠકો મળ્યા પછી જ તેમનો પક્ષ ગઠબંધન કરશે.

કોંગ્રેસી સુત્રોએ જણાવ્યુ કે ૨૦૧૯માં પક્ષ જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ પક્ષો સાથે જોડાણ કરશે. શું રાહુલ ગઠબંધનમાં કોઈ મહિલા માટે જગ્યા આપશે એવા સવાલના જવાબમાં સૂત્રોએ કહ્યુ કે, સંઘનું સમર્થન ન હોય તેવા કોઈપણ પક્ષના નેતાને વડાપ્રધાન પદે જોવા તૈયાર છે.

વિરોધ પક્ષના કેમ્પમાં એવી અટકળો થઈ રહી છે કોઈક મહિલાને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાઈ. જો આ બાબતે સંમતિ થશે તો બસપા સુપ્રિમો માયાવતી અથવા તૃણમુલ પ્રમુખ મમતા બેનરજીના નામ પર વિચાર થશે. કોંગ્રેસી સુત્રોએ એમ પણ કહ્યું કે ૨૦૦૪ની સરખામણીએ ૨૦૧૯નું ભારત બહુ અલગ છે એટલે તે અમારી રોજીંદી રાજકીય લડાઈથી અલગ છે. સૂત્રોએ કહ્યુ કે કોંગ્રેસને એવું લાગે છે કે ટીડીપી અને શિવસેના જેવા પક્ષો નારાજ છે એટલે ભાજપાને પુરતી બેઠકો નહી મળે. એટલે જ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપા વિરોધી મહાગઠબંધન બનશે તો મોદીને જીતવામાં મુશ્કેલી પડશે.

અખિલેશ યાદવે પહેલા જ કહી દીધુ છે કે, ગઠબંધનના નેતા ચૂંટણી પછી જ નક્કી થશે.

(11:40 am IST)