Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ભારતમાં મોટા આતંકી હુમલાઓની આશંકા

ISI જૈશ-એ-મોહમ્મદને ફંડથી લઇને ટ્રેનિંગ અને હથિયારો પણ પહોંચતા કરી રહી છે

નવી દિલ્હી તા. ૨૫ : ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા ભારત સરકારને આપવામાં આવેલા એક રિપોર્ટમાં એલર્ટ આપતા કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ માટે ISI જૈશ-એ-મોહમ્મદને ફંડથી લઈને ટ્રેનિંગ અને હથિયારો પણ પહોંચતા કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે ISIએ પાક હસ્તગત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની ટ્રેનિંગ માટે નવા આતંકી કેમ્પ બનાવ્યા છે.'

ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે,'ભારત વિરુદ્ઘ જેહાદ ફેલાવવા માટે જૈશ-એ-મોહમ્મદ છેલ્લા મહિનાઓથી સોશિયલ મીડિયા પર ખૂબ એકિટવ છે. છેલ્લાં કેટલાંક મહિનામાં જૈશે કાશ્મીરમાં ૫૦૦થી વધુ ઓડિયો અને વીડિઓ વોટ્સએપ કે ટેલીગ્રામની મદદથી મોકલ્યા છે. જેમાં ભારતીય સુરક્ષા જવાનો વિરુદ્ઘ મૌલાના મસૂદ અજહર ઝેર ઓકી રહ્યો છે.'

ગુપ્ત એજન્સી પ્રમાણે જૈશ-એ-મોહમ્મદ આવા એક ગ્રુપમાં દાવો કર્યો છે કે તેના આતંકીઓ લખનઉ, દિલ્હી અને મુંબઈમાં હાજર છે. સુરક્ષા એજન્સીઓ પ્રમાણે લાઇન ઓફ કંટ્રોલના માર્ગે જૈશના કેટલાક આતંકીઓ કાશ્મીરમાં દાખલ થયાની આશંકા છે. જૈશે છેલ્લા થોડા મહિનાથી કેટલાંક લોકલ આતંકીઓની ભરતી કરી છે. આ આતંકીઓ સુરક્ષાદળો પર આત્મઘાતી હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે.

ISI જૈશ-એ-મોહમ્મદને ભારતમાં મોટો આતંકી હુમલો કરવા માટે મદદ કરવામાં લાગ્યું છે. લશ્કર-એ-તોઇબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી ગ્રુપની જગ્યાએ જૈશ-એ-મોહમ્મદ પર વધુ વિશ્વાસ કરી રહ્યું છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદે ટેલીગ્રામ પર અનસાર-એ-જૈશ નામથી ગ્રુપ બનાવ્યું છે. જેની મદદથી જૈશ ચીફ મૌલાના મસૂદ અજહર ભારત વિરુદ્ઘ કાશ્મીરી યુવકોને ભટકાવવાનો પ્રયત્નમાં લાગ્યો છે.

(11:41 am IST)