Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાગેડુ મેહુલ ચોકસીને ભારત લાવવાનો માર્ગ મોકળો

મોદી સરકારના પ્રચંડ દબાણ હેઠળ ઝુકયુ એંટીગુઆ : મેહુલ-ચોકસીની નાગરિકતા રદ કરશે : ભારતના આરોપીને શરણ આપવા એંટીગુઆના વડાપ્રધાનનો ઇન્કાર : ટુંક સમયમાં થશે પ્રર્ત્યાપણ

નવી દિલ્હી, તા. રપ : પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB SCAM)માં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને નિવેદન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરવાના છે. તેમના મતે ભારતની તરફથી સતત તેમના પર દબાણ બનાવામાં આવી રહ્યું હતું.

તેની સાથે જ મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો પણ ચોખ્ખો થઇ જશે. PNB કૌભાંડની અંતર્ગત નીરવ મોદી અને રાહુલ ચોકસી પર 13000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ હતો. આ કેસ 2018માં સામે આવ્યો હતો, ત્યારથી જ વિપક્ષ આ મુદ્દા પર મોદી સરકારને દ્યેરી રહ્યાં છે.

એન્ટિગુઆના વડાપ્રધાનના મતે મેહુલ ચોકસીને પહેલાં જ અહીંની નાગરિકતા મળેલી હતી. પરંતુ હવે તેને રદ્દ કરી રહ્યા છે અને ભારત પ્રત્યર્પિત કરાઇ રહ્યા છે. અમે એવા કોઇપણ વ્યકિતને મારા દેશમાં રાખીશું નહીં, જેના પર કોઇપણ પ્રકારનો આરોપ મૂકાયો હોય.

વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનના મતે હવે એન્ટિગુઆમાં મેહુલ ચોકસી કોઇપણ પ્રકારના કાયદાકીય રસ્તાથી બચી શકશે નહીં, જેનાથી તેઓ બચી નીકળે આથી તેમની ભારત વાપસી લગભગ નક્કી છે. અત્યારે મેહુલ ચોકસી સાથે જોડાયેલો આખો મામલો કોર્ટમાં છે, આથી અમારે આખી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એન્ટિગુઆના વડાપ્રધાને કહ્યું કે તેમણે તેને લઇ ભારત સરકારને પૂરી માહિતી આપી દીધી છે. જો કે મેહુલ ચોકસીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવાનો સમય અપાશે. જયારે તેમની પાસે કોઇપણ કાયદાકીય ઓપ્શન બચશે નહીં તો તેમને ભારત પ્રત્યર્પિત કરી દેવાશે.

મેહુલ ચોકસી અને નીરવ મોદીના મુદ્દા પર મોદી સરકાર સતત વિપક્ષના નિશાન પર રહી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી દરમ્યાન સતત આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ હવે જો મેહુલ ચોકસીની વાપસી થાય છે તો આ મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી મોટી સફળતા માની શકાય છે.

મેહુલ ચોકસીને કેટલીય વખત સરકાર, એજન્સીઓ અને કોર્ટની તરફથી સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તેમને દરેક વખતે આવવાની ના પાડી દીધી. મેહુલ ચોકસીનો તર્ક એ હતો કે હિન્દુસ્તાન આવશે તો તેમને લિંચિંગ કરી દેવાશે. જો કે હવે જયારે એન્ટિગુઆ એ જ તેમની નાગરિકતા રદ્દ કરવાનો નિર્ણય કરી લીધો છે તો તેમને ભારત પાછું આવવું જ પડશે.

મેહુલ ચોકસી પીએનબી સ્કેમમાં મુખ્ય આરોપી નીરવ મોદીનો બિજનેસ પાર્ટનર અને મામા છે. છેલ્લા લાંબા સમયથી તે ભારત છોડી એન્ટીગીમાં રહેતો હતો. તેણે એક વીડિયો જાહેર કરી પોતાને એન્ટીગાનો નાગરિક પણ જણાવ્યો હતો.

બીજી તરફ પીએનબી કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસી પર મુંબઈ હાઈકોર્ટે કડક થઈને જણાવ્યુ છે કે તે સ્વાસ્થ્ય સંબંધી પેપર્સ મુંબઈના સરકારી જેજે હોસ્પીટલ મોકલવામાં આવે. અદાલતે જણાવ્યુ કે હોસ્પિટલના મુખ્ય કોર્ડિયોલોજિસ્ટ રિપોર્ટની સ્ટડી અને એનાલિસિસ કર્યા પછી અદાલતને જણાવશે કે તે ભારતની યાત્રા કરવા માટે ફીટ છે કે નહીં.

(3:25 pm IST)