Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજયસભા ચૂંટણી : કોંગ્રેસમાં ગૌરવ પંડયા અને ચંદ્રિકાબેન ચૂડાસમા ઉમેદવારી નોંધાવે તેવી શકયતા

નવી દિલ્હી, તા.૨પઃ રાજયસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જયારે કોંગ્રેસ તરફથી પણ બે ઉમેદવારો ફોર્મ ભરશે તેવી વિગતો મળી રહી છે. કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા ફોર્મ ભરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ભાજપ તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે.

ચંદ્રિકાબંન ચુડાસમાની સૌરાષ્ટ્રની રાજનીતિમાં સારી પકડ છે. તેઓ વર્ષ ૨૦૧૨માં માંગરોળથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ૨૦૧૭ ગુજરાત વિધાનસભામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવામાં તેમની સારી ભૂમિકા રહી છે.ગૌરવ પંડ્યા દક્ષિણ ગુજરાતનો મોટો ચહેરો છે. તેઓ અહેમદ પટેલ સાથે નિકટના સંબંધ ધરાવે છે. કોંગ્રેસના સંગઠનમાં વર્ષોથી સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ પ્રદેશમાં પૂર્વ મહામંત્રી પણ રહી ચુકયા છે. યુથ કોંગ્રેસથી રાજકારણમાં સક્રિય થયા હતા.ગુજરાતની ખાલી પડેલી બંને બેઠકો પર અલગ અલગ મતદાન થશે. જો આવું થાય તો ભાજપના બંને ઉમેદવારની જીત નક્કી છે. આના વિરુદ્ઘમાં કોંગ્રેસ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.ભાજપ તરફથી રાજયસભાના ઉમેદવાર તરીકે જુગલજી ઠાકોરની પસંદગી કરવા મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું કે, કેન્દ્રીય નેતૃત્વના આદેશ બાદ રાજયસભા માટે બે ઉમેદવારો કોંગ્રેસ વતી  ફોર્મ ભરશે. જુગલજી ઠાકોરની પસંદગી અલ્પેશ માટે લાલબત્તી સમાન છે. સાથે જ તેમણે અલ્પેશ ઠાકોરને સલાહ આપી હતી કે 'દેર આયે દુરસ્ત આયે' કહેવત પ્રમાણે હજી પણ અલ્પેશ ઠાકોરને ભૂલ સમજાઈ જાય તો સારું છે.

(11:39 am IST)