Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આઈએનએક્સ કેસમાં કાર્તિને જામીન સામે સુપ્રીમમાં અરજી

ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવાઈ નથી : કાર્તિને જામીન આપવા માટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને અંતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી

નવીદિલ્હી,તા.૨૫ : આઈએનએક્સ મિડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને સીબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીબીઆઈએ તેની અરજીમાં કહ્યું હતું કે, કાર્તિની જામીન અરજીને ટકાવી રાખવા માટેની બાબત હાઈકોર્ટમાં યોગ્ય દેખાતી ન હતી. હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેલી આવી જ એક અરજીમાં રાહતની માંગ કરવામાં આવી ચુકી છે. સીબીઆઈએ કહ્યું છે કે, હાઈકોર્ટે જામીનના તબક્કામાં મેરિટ ઉપર રહેલા પુરાવામાં વિસ્તૃત અભ્યાસની કામગીરી હાથ ધરી નથી જેના લીધે સીબીઆઈ ફરીથી આદેશને પડકારીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે છે. પોતાની અપીલમાં સીબીઆઈએ કહ્યું છે કે, કાર્તિને જામીન આપતી વેળા ન્યાયિક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી નથી. હાઈકોર્ટની સિંગલ જજની બેંચે ૨૩મી માર્ચના દિવસે કાર્તિ ચિદમ્બરમને જામીન આપી દીધા હતા. સીબીઆઈ દ્વારા ૨૮મી ફેબ્રુઆરીના દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું હતું કે, જ્યાં સુધી તમામ બાબતો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી જામીન આપવાની બાબત યોગ્ય રહેશે નહીં. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, તત્કાલિન કંપની ચેસ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ અને એડવાન્ટેજ સ્ટેટેજીક લિમિટેડ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રહેલા છે. એડવાન્ટેજ પ્રાઇવેટ લિમિટેડને ૧૦ લાખ રૂપિયાની ચુકવણી એ ગાળામાં કરવામાં આવી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા આઈએનએક્સ મિડિયાને મંજુરી મળે તે માટે આ ૧૦ લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. કાર્તિની ગયા વર્ષે ૧૫મી મેના દિવસે નોંધવામાં આવેલી એફઆઈઆરના સંબંધમાં ચેન્નાઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આઇએનએક્સ મિડિયાને મંજુરી આપવામાં વિદેશી મૂડીરોકાણ પ્રમોશન બોર્ડમાં રહેલી ગેરરીતિમાં ધ્યાન આપવામાં આવ્યું હતું. ૨૦૦૭માં વિદેશથી ૩૦૫ કરોડ રૂપિયાના ફંડ બદલ આ મંજુરી મળી હતી.

(7:24 pm IST)