Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

અસંગઠિત ક્ષેત્રના વર્કર્સને યુનિક આઇડી આપશે મોદી સરકાર

લેબર મિનિસ્ટ્રીએ જાહેર કર્યું ટેન્ડર

નવી દિલ્હી તા. ૨૫ : મોદી સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા આશરે ૪૦ કરોડ જેટલા વર્કર્સને યૂનિક આઈડી આપવા જઈ રહી છે. આના માટે અસંગઠિત ક્ષેત્રના વર્કર્સનું એક નેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. લેબર મિનિસ્ટ્રીએ અસંગઠિત ક્ષેત્રના વર્કર્સ માટે નેશનલ પ્લેટફોર્મ બનાવવા અને આધાર સાથે જોડાયેલા આઈડેન્ટિફિકેશન નંબરને ફાળવવા માટે ટેન્ડર પણ જાહેર કર્યું છે. સરકારની યોજના આ પ્લેટફોર્મ દ્વારા ૪૦ કરોડ વર્કર્સ અને તેમના પરિવારોને તમામ સ્કીમોનો ફાયદો પહોંચાડવાની છે.

અનઓર્ગેનાઈઝ વર્કર આઈડેન્ટિફિકેશન નંબર પ્લેફોર્મ બનાવવાનો ઉદ્દેશ્ય ભારતમાં કામ કરનારા અસંગઠિત ક્ષેત્રના વર્કર્સ માટેનો નેશનલ ડેટાબેઝ બનાવવાનો છે. આના દ્વારા તમામ વર્કર્સને આધાર સાથે જોડાયેલા યૂનિક આઈડી નંબર ફાળવવામાં આવશે. તમામ રાજય અને કેન્દ્ર શાસિત ક્ષેત્ર અને સરકારી વિભાગ આ ડેટાબેઝને એકસેસ કરી શકશે.

અત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકારો અસંગઠિત ક્ષેત્રના વર્કર્સ માટે અલગ અલગ સામાજિક સુરક્ષા યોજનાઓ ચલાવી રહી છે. આ પોર્ટલ દ્વારા એ સુનિશ્યિત કરવામાં આવશે કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા તમામ વર્કર્સને કેન્દ્ર અને રાજય સરકારોની સામાજિક સુરક્ષા યોજનાઓનો ફાયદો મળી શકે.

કેન્દ્ર સરકારની યોજના નેશનલ પોર્ટલ સાથે લોકોને જોડવાની પણ છે. એટલે કે સરકાર પોર્ટલ સાથે એવી કંપનીઓ અથવા સંસ્થાઓને જોડશે કે જેમને કર્મચારીઓની જરૂરીયાત છે અને જે કોઈ ખાસ કામ માટે લોકોને નોકરી પર રાખવા ઈચ્છે છે. આનાથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે નોકરી મળવી પણ સરળ બનશે. આના દ્વારા સરકાર એ પણ માહિતી પ્રાપ્ત કરી શકશે કે કોઈ ખાસ ઈંડસ્ટ્રીને કોઈ ખાસ ગુણવત્તા અને આવડત ધરાવતા કર્મચારીઓની જરૂરીયાત છે કે કેમ.

કેન્દ્ર સરકાર આ પોર્ટલ દ્વારા એ પણ માહિતી પ્રાપ્ત કરી શકશે કે તેના ડેટાબેઝમાં કેટલા વર્કર્સ છે અને તેમની પાસે કયા પ્રકારની સ્કીલ છે. જો સરકારને લાગશે કે કોઈ વર્કર પાસે સ્કિલની કમી છે તો તે તેને ડેવલપમેન્ટ સ્કીમ દ્વારા સ્કિલ પ્રાપ્ત કરાવી આપશે. આનાથી વર્કરને નોકરી પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.વર્તમાન સમયમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા મોટાભાગના લોકો સામાજિક સુરક્ષા જેવી કે પીએફ, પેન્શન અને મેડિકલ ઈન્શ્યોરન્સ જેવી સુવિધાઓ વગર જ કામ કરી રહ્યા છે. સરકાર આ તમામ વર્કર્સને સામાજિક સુરક્ષા કવર ઉપલબ્ધ કરાવવા માંગે છે જેનાથી વર્કર્સ અને તેમના પરિવારનું જીવન સ્તર વધારે ઉત્કૃષ્ઠ બની શકે.(

(3:36 pm IST)