Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ટીવી-ફ્રીજ-વોશીંગ મશીન વગેરેની ગેરન્ટીનું બિલ હવે કંપનીએ સાચવવું પડશેઃ ગ્રાહકને રાહત

કંપનીઓએ ડિઝિટલ ફોર્મેટમાં ગેરેન્ટી-વોરંટી કાર્ડ સાચવવું પડશેઃ ગ્રાહકોને મુકિત

નવી દિલ્હી તા.૨૫: ટીવી,ફ્રીજ, વોશીંગ મશીન, માઇક્રોવેવ ઓવન, પ્રેશર કુકર, સહિતના ઘણા એવા સામાન ઘરમાં હોય છે જેના પર બે કે ત્રણ વર્ષની ગેરંટી હોય છે. આ ગેરંટીનો લાભ લેવા તમારે તે વસ્તુનું બીલ સાચવીને રાખવું જરૂરી હોય છે. પણ સરકાર ટુંક સમયમાં તમને તે જવાબદારી માંથી મુકત કરવાની છે.

ગ્રાહક મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે સરકાર ગેરંટી બીલ સાચવવાની જવાબદારી કંપનીઓને સોંપવાની તૈયારી કરી રહી છે. ત્યાર પછી ગ્રાહકોએ બીલ સાચવવાની જરૂર નહી રહે. તેમણે જણાવ્યું કે નવા પગલા હેઠળ કંપનીઓ ગેરંટી/ વોરંટી કાર્ડ ડીઝીટલ ફોર્મેટમાં સાચવીને રાખશે. ખરીદી વખતે ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર તથા બીજી જાણકારી કંપનીને આપવી પડશે. જેથી તે ગ્રાહકનું ઇ-વોરંટી કાર્ડ બનાવી શકે. ગ્રાહકે ગેરંટી કે વોરંટીનો લાભ લેવા માટે પોતાના મોબાઇલ નંબર દ્વારા બીલની કોપી મેળવી શકશે. હાલમાં મોટા ભાગના ગ્રાહકો લાંબો સમય બીલ સાચવી નથી શકતા એટલે જરૂર પડયે તેઓ લાભ નથી મેળવી શકતા.

અમેરિકાએ ૨૦૧૬માં ગ્રાહક કાયદામાં ફેરફાર કરીને બધા બીલને ડીઝીટલ ફોર્મેટમાં રાખવાનું ફરજીયાત કરેલ છે. અમેરિકાની સાથે યુરોપના ઘણા દેશોમાં આની શરૂઆત કરાઇ છે. ઘણી મોબાઇલ, કેમેરા અને બીજી વસ્તુઓ બનાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ઇ-વોરંટી આપે જ છે.

ઇ-વોરંટી કાર્ડમાં ગ્રાહક પાસે કોઇ કાગળ ન હોવાથી કંપની નિયમોમાં ફેરફાર કરીને ગ્રાહકોને લાભથી વંચીત રાખી શકે તેમ હોય તેના પર ધ્યાન રાખવા માટે એજન્સી બનાવવાનો પણ પ્રસ્તાવ છે. દુનિયામાં માત્ર ૪ ટકા લોકો જ ગેરંટી-વોરંટીનો લાભ લે છે. જયારે સંપુર્ણ ગેરંટીનો લાભ લેવાવાળા ગ્રાહકો તો ૨ ટકાથી પણ ઓછા છે. (૧.૭)

(11:42 am IST)