Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બ્લેક ફંગસને રોકવા કેન્દ્ર સતર્ક : દવાની ઉત્પાદન ક્ષમતા 3 લાખ ડોઝથી વધારી 7 લાખ ડોઝ કરાઈ : મનસુખ માંડવીયા

જૂનમાં લગભગ 15-16 લાખ એમ્ફોટેરિસિન બીના વાઈલનું ઉત્પાદન થવાની આશા

દેશમાં કોરોના મહામારીને કારણે બ્લેક ફંગસનો કહેર વધી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકાર તેની પર નિયંત્રણ મેળવવા સતત મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, બ્લેક ફંગસની દવાની ઉત્પાદન ક્ષમતા વધારીને 3 લાખ ડોઝથી વધારી 7 લાખ ડોઝ કરવામાં આવી છે.31 મે પહેલા 3 લાખ વાઈલ આવી જશે. જૂનના પ્રથમ 2 સપ્તાહમાં 3 લાખ વાઈલ આવશે

 . કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે- જૂનમાં લગભગ 15-16 લાખ એમ્ફોટેરિસિન બીના વાઈલનું ઉત્પાદન થવાની આશા છે. ભારતમાં 8 લાખ વાઈલનું ઉત્પાદન થશે જ્યારે 7 લાખ જેટલી વાઈલ આયાત થકી મેળવવાનો અંદાજ છે. હાલ 6 કંપનીઓ આ દવા બનાવી રહી છે, આ ઉપરાંત વધુ 5 કંપનીઓને તેની મંજૂરી આપવામા આવી છે. દવા કંપનીઓ ઉત્પાદન વધારવા પણ પ્રયાસ કરી રહી છે.

   ગુજરાતમાં કોવિડ બાદ હવે મ્યુકોરમાઇકોસિસનો કેર જામી રહ્યો છે. રાજ્ય સરકાર ભલે દાવો કરી રહી હોય કે મ્યુકોરમાઇકોસિસના કેસો ઘટી રહ્યાં છે પરંતુ રાજ્યના ૩૩ પૈકી ૨૬ જિલ્લાઓમાં આ કાળી ફૂગના કેસો નોંધાઇ રહ્યાં છે. હાલ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩૮૧ કેસ અને ૮૧ મોત નોંધાયા છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાતમાં ૩૫ અને સુરતમાં ૨૧ દર્દીઓના મોત મ્યુકોરમાઇકોસિસના કારણે થયા છે. આ બન્ને જિલ્લાઓમાં રોજના સરેરાશ બે દર્દીઓ આ રોગના કારણે મૃત્યુ પામી રહ્યાં છે.

  અમદાવાદ સિવિલમાં હવે મ્યુકોરમાઇકોસિસના કેસ ૬૦૦એ પહોંચ્યાં છે અને તેમની સર્જરી માટે અલગ પાંચ વોર્ડ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં ૨૧૦ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે અને અત્યારે રોજની ૨૫થી ૩૦ સર્જરી થઇ રહી છે. સિવિલના ડેન્ટલ વિભાગમાં એક જ ઓપરેશન થિયેટર છે અને જ્યારે દર્દીઓના દાંત, દાઢ અને જડબું કાઢવાનું હોય કે તેની સર્જરી કરવાની હોય તો સર્જરીમાં ત્રણ-ચાર કલાક લાગી જાય છે. તેથી અત્યારે ડેન્ટલ વિભાગના તબીબો પેરાપ્લેજીયા અને કિડની સહિતના અન્ય વિભાગોના ઓપરેશન થિયેટરમાં જઇ સર્જરી કરી રહ્યાં છે

બીજી તરફ સારવારમાં વપરાતા બન્ને પ્રકારના જરૂરી ઇન્જેક્શનોની પણ અત્યારે તીવ્ર અછત છે. પૂરતાં ઇન્જેક્શનો હોવાનો સરકાર ભલે દાવો કરી રહી હોય પરંતુ દવાખાનાઓમાં છેલ્લાં દસ-પંદર દિવસથી દાખલ દર્દીઓને હજુ પણ પૂરતાં ઇન્જેક્શનોનો કોર્સ થયો નથી. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સર્જરી કરવી પડે તેવાં દર્દીઓની સંખ્યામં જંગી વધારો થયો હોવાથી અહીં સર્જરી માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. તેથી જે દર્દીઓને સર્જરીની તાત્કાલિક જરૂરિયાત હોય તેને પ્રાથમિકતા આપી સર્જરી કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મ્યુકરમાઈકોસીસ મહામારી વચ્ચે ખરાબ સમાચારએ છે કે મ્યુકરમાઈકોસીસમાં આપવામાં આવતા ઇન્જેક્શન એમ્ફોટેરેસિન બીના કારણે કિડની ખરાબ થઇ શકે છે. વધુ માત્રામાં આપવામાં આવતા એમ્ફોટેરેસિન બી ઇન્જેક્શન ઘાતક પુરવાર થઈ શકે છે તો રેમડેસિવિર ઇન્જેક્શનથી પણ લીવર અને કિડની ફેલ થવાની શક્યતાઓ છે.

(12:53 am IST)