Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના ભાવમાં મોટો કડાકો : રોકાણકારોમાં ગભરાટ :મોટા વર્ગે પોતાનું રોકાણ પાછું ખેંચી લેતા સ્થિતિ કફોડી

એલન મસ્કે પોતાની પ્રોડકટ ખરીદનારા પાસેથી પેમેન્ટ ક્રિપ્ટોકરન્સી બિટ કોઇનમાં લેવાનો ઇન્કાર અને ચીને ક્રિપ્ટોકરન્સી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતા ચોતરફ દબાણ

નવી દિલ્હી : વર્ચ્યુઅલ કરન્સીમાં બોલબાલા ધરાવતા ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના ભાવમાં ઘડાકો બોલી ગયો છે. એલન મસ્કે પોતાની પ્રોડકટ ખરીદનારા પાસેથી પેમેન્ટ ક્રિપ્ટોકરન્સી બિટ કોઇનમાં લેવાની જાહેરાત કરતા બીટ કોઇનને ખૂબ જ મોટો સપોર્ટ મળ્યો હતો. હવે આ સપોર્ટ પાછો ખેંચી લેવામાં આવતા બિટ કોઇનના ભાવ તૂટ્યાં છે. ચીને પણ ક્રિપ્ટોકરન્સી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતા પોતાને ત્યાં રોકાણકારોમાં ગભરાટ જોવા મળે છે

બીટકોઇન આમ તો મૂડીપતિઓની કરન્સી ગણાતી હતી.પરંતુ વધતા જતા ભાવથી આકર્ષાઇને અનેક નાના રોકાણકારો જોડાયા હતાં. વિશ્વના ઘનાઢય એલન મસ્કે ટેસ્લાની પ્રોડકટ ખરીદવા માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાનું નકકી કરતા બિટકોઇનના ભાવમાં ઉછાળો આવ્યો હતો

ફેબ્રુઆરી ૨૦૨૧માં એક બિટકોઇનનો ભાવ ૬૫ હજારની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. ઘણા લોકો કરન્સીના ભાવ ઘટવાથી નીચેના સ્તરેથી ખરીદી પણ કરવા લાગ્યા હતાં. ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં ૧ લાખ કરોડ ડોલરનું ધોવાણ થયું છે. 19 મેએ એક જ દિવસમાં ૩૦ ટકા ભાવ ઘટતા ક્રિપ્ટોકરન્સીને લઇને પેનિક ફેલાયો છે. ક્રિપ્ટોના પગલે અન્ય કરન્સીઓના ભાવમાં પણ 25થી 40 ટકા જેટલો ઘટાડો થયો છે. એપ્રિલથી લઇને મે મહિનાના ત્રીજા વીક સુધીમાં બિટકોઇન તૂટીને એક સમયે ૩૧ હજાર ડોલરે પહોંચ્યો હતો.

 

આ જ બીટકોઇનનો એક જ સપ્તાહ પહેલા ભાવ ૫૫ હજાર ડોલર હતો. ક્રિપ્ટોકરન્સીના ભાવ ઘટવાની સાથે જ કરન્સી એકસચેન્જનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે. એક મોટા વર્ગે ક્રિપ્ટોકરન્સીમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લેતા આ સ્થિતિ ઉભી થઇ છે. એક સમયે ૬૫ હજાર ડોલરના ભાવ ગગડીને ૩૩ હજાર ડૉલર થયાં છે. નિષ્ણાતોનું માનવું છે કે એલન મસ્કનું ટ્વીટ અને ચીન દ્વારા ક્રિપ્ટોકરન્સી પર કાર્યવાહી કરવામાં આવતા ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.

ક્રિપ્ટોકરન્સી ઓનલાઇન ખરીદી અને વેચી શકાય છે. વિવિધ કરન્સી નોટ સરકાર પ્રિન્ટ કરે છે અને કરન્સીઓના ભાવ પણ વધઘટ થતા રહે છે. આથી ૨૦૦૯માં બીટ કોઇન જેવી ડિજીટલ કરન્સીની શરૂઆત થઇ હતી. તેને વર્ચ્યુઅલ કે આભાસી કરન્સી પણ કહે છે આના પર કોઇ પણ દેશની સરકારનું નિયંત્રણ હોતું નથી.

બિટકોઇનની જયારે શરૂઆત થઇ ત્યારે સામાન્ય લોકો આના વિશે ખાસ કશું જાણતા ન હતાં. શરૂઆતમાં તો તેનું મૂલ્ય પણ ઘણું ઓછું હતું. કોરોના મહામારીના કારણે દુનિયામાં લોકડાઉન શરુ થયું તે પહેલા બિટકોઇનનો ભાવ માત્ર ૬ હજાર ડોલર હતો. ડિજીટલ કરન્સીને અનેક દેશોની સરકારોએ પ્રોત્સાહન આપતા યૂરોપ, અમેરિકા, દક્ષિણ કોરિયા,જાપાન અને ચીનમાં ઓનલાઇન રોકાણકારોની સંખ્યા વધી હતી.

(12:28 am IST)