Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગુજરાતથી કોલંબો જતા વેપારી વહાણમાં બ્લાસ્ટ આગ ભભૂકી : શ્રીલંકાએ ભારત પાસે માંગી મદદ

જહાજ ગુજરાતના હજીરાથી કોલંબો બંદરે પહોંચતા પહેલા આગ લાગી

શ્રીલંકાએ કોલંબો નજીક જહાજમાં લાગેલી આગને કાબૂમાં લેવા ભારતની મદદ માંગી છે. શ્રીલંકાને મદદ કરવા માટે ભારતીય કોસ્ટગાર્ડે તેના બે જહાજો અને એક વિમાન કોલંબો મોકલ્યું છે. મળતી માહિતી મુજબ જે વેપારી શિપમાં આગ લાગી હતી તે ગુજરાતના હજીરાથી કોલંબો જઇ રહ્યું હતું. બ્લાસ્ટ પછી આ જહાજમાં આગ લાગી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ, તમામ ક્રૂ સભ્યોને વેપારી જહાજ, એક્સપ્રેસ-પર્લથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, વહાણમાં લાગેલી આગને કારણે દરિયામાં પ્રદૂષણ ફેલાવાનું જોખમ રહેલું છે. એટલા માટે શ્રીલંકાએ ભારત સરકારને વહેલી તકે આગ બુઝાવવા કહ્યું હતું. તેથી જ કોસ્ટગાર્ડ એ આઇસીજીએસ વૈભવ અને ટગ વોટર -લિલી ઉપરાંત, કોલંબોમાં ડોર્નીઅર વિમાન મોકલ્યું છે.

મળતી માહિતી મુજબ આ શિપ ચીનમાં બનાવવામાં આવ્યું છે અને તેનું સંચાલન સિંગાપોરની એક કંપની દ્વારા કરવામાં આવે છે. વહાણમાં 1486 કન્ટેનર છે અને લગભગ 25 ટન નાઈટ્રીક એસિડ પણ છે. ખરાબ હવામાનને કારણે, એક કન્ટેનર જહાજ પરથી પડવાથી તેમાં બ્લાસ્ટ થયો હતો. અને ત્યારબાદ તેમાં આગ લાગી. આ જહાજ ગુજરાતના હજીરાથી કોલંબો જઇ રહ્યું હતું. કોલંબો બંદરે પહોંચતા પહેલા આગ લાગી હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) કેઆર સુરેશના જણાવ્યા અનુસાર, એક્સપ્રેસ-પર્લમાં બ્લાસ્ટ પછી આગ લાગી હતી. પ્રથમ પ્રાધાન્યતા વહાણમાં લાગેલી આગ પર નિયંત્રણ મેળવવાની છે. આ માટે શ્રીલંકાએ ભારત સરકારની મદદ માંગી હતી.

(11:40 pm IST)