Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાવાઝોડા યાસ અંગે મુખ્ય બંદરોની તૈયારીની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય ખાતે 24 * 7 કન્ટ્રોલ રૂમ સ્થપાયો : ખાનગી ક્રાફ્ટ્સ/ લૉન્ચીઝ, સલામત કરવા માટે સૂચના જારી: પોર્ટેબલ જનરેટર સેટ્સ સ્ટેન્ડ બાય રખાયા

નવી દિલ્હી : બંદરો, જહાજ અને જળમાર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)એ વાવાઝોડા યાસના પગલે ભારતના પૂર્વી કાંઠે આવેલા તમામ મોટા બંદરોની તૈયારીની સમીક્ષા કરી હતી. બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય બંદરોના ચેરપર્સન્સ આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા.

મુખ્ય બંદરોના ચેરપર્સનોએ વાવાઝોડાથી જે સ્થિતિ ઉદભવી શકે એને પહોંચી વળવા માટે લેવાયેલાં પગલાં વિશે માહિતી આપી હતી. બંદરો પર નિમ્ન અનુસાર પગલાં લેવામાં આવ્યાં છે:

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય ખાતે 24 * 7 કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે. મંત્રાલયનો આ કન્ટ્રોલ રૂમ નૌકા દળ, ઇન્ડિયન કૉસ્ટ ગાર્ડ (આઇસીજી) અને પીએનજી મંત્રાલયના કંટ્રોલ રૂમ્સ સાથે સંકલનમાં છે.

શિપિંગ કંપનીઓ અને એમના ઓપરેટર્સને માર્ગદર્શિકા જારી કરાઇ છે જેથી તેઓ એ વિસ્તારમાં જહાજો માટે આવશ્યક રક્ષણાત્મક પગલાં લઈ શકે.

હાઇ માસ્ટ લાઇટ્સ નીચે ઉતારવા અને ઉડી જઈ શકે એવી વસ્તુઓ/સામગ્રીઓ સલામત કરવા માટે સૂચના જારી કરી દેવાઇ છે.

બંદરોના વપરાશકારો અને કામદારોથી સમગ્ર બંદર કાર્ય સ્થળને મુક્ત કરી દેવાયું છે.

કિનારાની તમામ ક્રેન્સ, વિવિધ ઉપકરણો/મશીનરીઓ, પ્રોજેક્ટ સ્થળો પરની વસ્તુઓ, લોકોમોટિવ્ઝ અને રેક્સ સલામત કરવા અને હાઇ માસ્ટ લાઇટ્સ ઇત્યાદિ નીચી ઉતારી દેવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

બંદર વિસ્તારમાં રેલવે, માર્ગ હેરફેર સ્થગિત કરવાની કાર્ય યોજના આરંભી દેવાઇ છે.

ખાનગી ક્રાફ્ટ્સ/ લૉન્ચીઝ, સલામત કરવા માટે સૂચના જારી કરાઇ છે.

પોર્ટેબલ જનરેટર સેટ્સ સ્ટેન્ડ બાય રખાયા છે.

જરૂર પડે એવા કિસ્સામાં બંદર એમ્બ્યુલન્સો તૈયાર રાખવામાં આવી છે.

હાર્બર ક્રાફ્ટ્સ/ લોન્ચીઝ/ પર્યટક ફેરીઓ ઇત્યાદિ જે બંદરમાં રહી ગયેલી હોય એની સલામતી માટેની કાર્ય યોજના

બંદર બારૂની બહારના વિસ્તારોમાં ઉપલબ્ધ જહાજોની સલામતી માટેની કાર્ય યોજના

 

ચેતવણી સત્તાવાર રીતે પાછી ન ખેંચાય ત્યાં સુધી 23.05.2021થી અમલી બને એ રીતે ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ્સ અને રાષ્ટ્રીય જળમાર્ગો પર તમામ પ્રકારના જહાજોની હેરફેર અટકાવી દેવા માટે તમામ આઇડબલ્યુટી બાર્જ/ ક્રુઝ ઓપરેટર્સ/ શિપિંગ એજન્ટ્સ/નિકાસકારોને નિર્દેશ જારી કરાયા હતા

પ્રવાહ/ખાલ/ખાડીમાં કે નદીના તટપ્રદેશની સાથેસાથે અન્ય કોઇ પણ અનુકૂળ જગ્યા મળે ત્યાં એમનાં તમામ જહાજો મૂકવા માટે વધુ સલાહ આપવામાં આવી હતી જેથી ચાલક દળના સભ્યો અને જહાજની સલામતી વાવાઝોડાંના અંત સુધી સુનિશ્ચિત થઈ શકે

આઇડબલ્યુટી જહાજો કેઓપીટી મુખ્ય ચેનલમાં નહીં લંગારવામાં આવે એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ જારી કરાયા છે.

પોતાની સમાપન ટિપ્પણીમાં શ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે મુખ્ય બંદરોએ વાવાઝોડા યાસમાં બંદરની અસ્કયામતોને ઓછામાં ઓછું નુક્સાન થાય અને જિંદગીઓ ન ગુમાવવી પડે એ સુનિશ્ચિત કરવું જોઇએ. અને બંદરોને સલાહ આપવામાં આવે છે કે બંદરોની નજીકના પ્રદેશોની વસ્તીને મદદ કરે. બંદરોના ચેર પર્સનોએ વાવાઝોડા યાસને કારણે ઉદભવતી સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીની ખાતરી આપી હતી.

(11:28 pm IST)