Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

'યાસ' વાવાઝોડાની ઓરિસ્સામાં અસર શરૂ : કાંઠાના જિલ્લાઓમા તોફાની પવન સાથે ધોધમાર વરસાદ

દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા : લોકોમાં ભયનો માહોલ : NDRF ની ટીમો તૈનાત કરાઈ

ભુવનેશ્વર: વાવાઝોડા ‘તૌકતે’ના ગયાને હજુ અઠવાડિયું માંડ થયું છે, ત્યારે “યાસ” વાવાઝોડાનું સંકટ સામે આવી ગયું છે. “યાસ” વાવાઝોડાની અસર ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં જોવા મળી રહી છે. આટલું જ નહીં, કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.

“યાસ” વાવાઝોડાની અસરના પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. જો કે રાહત અને બચાવ કામગીરી માટે પહેલાથી જ સેના અને NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

ઓડિશા ઉપરાંત “યાસ” વાવાઝોડાની અસર છત્તીસગઢના જસપુર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. અહીં મંગળવારે દિવસભર તોફાની પવન વહેતો હતો અને સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા. “યાસ” વાવાઝોડાથી થનારા નુક્સાનની આશંકાને જોતા ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વહીવટી તંત્રને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, “યાસ” વાવાઝોડું અગાઉના એમ્ફાનથી પણ વધારે ભયંકર છે. “યાસ” બંગાળની ખાડીથી આગળ તરફ વધી રહ્યું છે. હાલ “યાસ” વાવાઝોડું પારાદીપથી 360 કિલોમીટર દૂર છે, જ્યારે બાલેશ્વરથી 460 કિલોમીટરના અંતરેથી આગળ ધપી રહ્યું છે.

છેલ્લા 6 કલાકથી વાવાઝોડા “યાસ”ની ગતિ 9 કિલોમીટર પ્રતિકલાકની છે. બુધવારે બપોરે તે બાલેશ્વરને પાર કરી શકે છે. હવામાન વિભાગે, પારાદીપથી સાગર દ્વીપની વચ્ચે બાલેશ્વર નજીક વાવાઝોડાના લેન્ડફૉલ કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

વાવાઝોડાની અસરના પગલે ઓડિશાના કાંઠા વિસ્તારોમાં મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. લેન્ડફોલના સમય હવાની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિકલાકની રહેવાનું અનુમાન છે. આ દરમિયાન હવાની ગતિ 185 કિમી સુધી પહોંચી શકે છે.

આ વાવાઝોડાના કારણે ઓડિશાના કાંઠા વિસ્તારના જિલ્લાને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જેમાં બાલેશ્વર, ભદ્રક, કેન્દ્રપાડા, જગતસિંહપુર અને મયૂરભંજમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

(9:00 pm IST)