Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

હત્યા કેસમાં લૉકઅપમાં બંધ થતાં જ રેસલર સુશીલકુમાર રોવા લાગ્યો : આખી રાત જાગ્યો :રેલવેની નોકરીમાંથી પણ સસ્પેન્ડ

છત્રસાલ સ્ટેડિયમમાં જૂનિયર ગોલ્ડ મેડલિસ્ટ પહેલવાન સાગર રાણાની હત્યા કેસમાં સુશીલકુમારની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલર સાગર રાણાની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવેલ ઓલમ્પિક પદક વિજેતા રેસલર સુશીલ કુમારને મોટો ફટકો પડ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, લૉકઅપમાં બંધ થતાં જ દિગ્ગજ પહેલવાન રોવા લાગ્યો હતો. તે આખી રાત જાગતો રહ્યો અને કશું પણ ખાવાનો ઈન્કાર કર્યો. જ્યારે આ કેસના કારણે જ સુશીલ કુમારને રેલવેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ઉત્તર રેલવેના CPRO દીપક કુમારે કહ્યું કે, રેલવે બોર્ડને દિલ્હી સરકાર તરફથી સમગ્ર કેસનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં સુશીલ કુમાર વિરુદ્ધ FIR દાખલ થઈ છે. આથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર રેલવેના કોમર્શિયલ મેનેજર સુશીલને દિલ્હી સરકાર દ્વારા સ્કૂલ સ્તરે રમતના વિકાસ માટે છત્રસાલ સ્ટેડિયમમાં OSD તરીકે તૈનાત કરવામાં આવ્યો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં જૂનિયર ગોલ્ડ મેડલિસ્ટ પહેલવાન સાગર રાણાની હત્યા કેસમાં ફરાર રહેલા ઓલમ્પિક પદક વિજેતા સુશીલ કુમારની રવિવારે જ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે 20 દિવસ બાદ સુશીલ કુમાર અને તેના સાગરિત અજય બક્કરવાલાને દિલહીના મુંડકા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે સુશીલને રોહિણી કોર્ટમાં રજૂ કરીને 12 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે સુશીલને માત્ર 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

(8:22 pm IST)