Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

માતાના નિધનના સમાચાર છતાં એમ્બ્યુલન્સ ડ્રાયવરે ફરજ બજાવી

કોરોનાના કપરા કાળમાં માનવતાની મહેંક : માતાનું મૃત્યુ થયાનો ફોન આવ્યો હોવા છતાં ડ્રાયવરે દર્દીઓને પહેલાં હોસ્પિટલમાં પહોંચાડ્યા પછી ઘરે ગયો

મથુરા, તા. ૨૫ : કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મૃત્યુઆંક ચિંતાનું કારણ બની રહ્યા છે. આવામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પોતાની માતાનું નિધન થઈ ગયું હોવા છતાં લોકોની મદદ કરવાનું અધવચ્ચે છોડ્યું નહીં. ૧૫મી મેના રોજ પ્રભાત યાદવ નામના એમ્બ્યુલન્સ ડ્રાઈવરને હોસ્પિટલ જતી વખતે ફોન આવ્યો હતો કે તેમના માતાનું નિધન થઈ ગયું છે. બીજી તરફ દર્દી હોસ્પિટલ જવા માટે તેમની રાહ જોઈ રહ્યા હતા. પ્રભાતે પહેલા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા અને સવારે પોતાની શિફ્ટ પૂરી કરીને ઘરે પહોંચ્યા હતા.

ઉત્તરપ્રદેશના મેનપુરીમાં રહેતા પ્રભાતે જણાવ્યું કે, તેમનું ગામ તેમના કામના સ્થળથી ૨૦૦ કિલોમીટર દૂર છે. રાત્રે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા પછી તેઓ સવારે પોતાના ગામ જવા માટે રવાના થયા. ગામમાં જઈને તેમણે માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

૩૩ વર્ષના પ્રભાતે જણાવ્યું, માના નિધનની સૂચના મળી તો તેઓ હચમચી ગયા હતા, પરંતુ તેમણે કાબૂ રાખ્યો અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા. પછી અન્ય દર્દીઓ મારી રાહ જોઈ રહ્યા હતા. મેં તેમને પહેલા તેમનો જીવ બચાવવાની પ્રાથમિકતા આપી કારણ કે આપણે જે કામ કરતા હોઈએ તે મહત્વપૂર્ણ હોય છે.

પ્રભાત વર્ષથી ૧૦૮ એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા છે. પાછલા વર્ષે માર્ચમાં પણ જ્યારે જિલ્લા એમ્બ્યુલન્સ કોવિડ દર્દીઓ માટે નિર્ધારિત કરવામાં આવી હતી, ત્યારે તેઓ ભરતી કરનારા લોકોમાંથી એક હતા. જે ડ્યુટી નવેમ્બર સુધી ચાલી હતી. પાછલા વર્ષના અંતમાં ઓછું કામ હોવાથી તેમને નિયમિત દર્દીઓની સેવામાં પરત લાવવામાં આવ્યા હતા. પ્રભાતને વર્ષે એપ્રિલમાં કોવિડ ડ્યુટીની કામગીરી ફરી સોંપવામાં આવી છે.

મથુરાની ૧૦૨ અને ૧૦૮  એમ્બ્લુયન્સ સેવાઓનું મેનેજમેન્ટ કરતા અજયસિંહે કહ્યું, મેં પ્રભાતને માના અંતિમ સંસ્કાર બાદ થોડા દિવસ ઘરે રહેવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ મદદ કરવા માગતા હતા. તેઓ એક સમર્પિત કર્મચારી છે. પ્રભાતની સમર્પણ ભાવનાને જોતા અજયસિંહે પ્રભાવતને મથુરાથી મેનપુરી માટે વાહનની વ્યવસ્થા કરાવી આપી, જે દિવસે તેમની માતાનું મૃત્યુ થયું ત્યારે લોકડાઉન ચાલતું હોવાથી તેમને કોઈ વાહન નહોતું મળી રહ્યું. પ્રભાત બીજા દિવસે૧.૩૦ વાગ્યે પરત આવી ગયો અને સવારની શિફ્ટ માટે રિપોર્ટ કર્યો.

પાછલા વર્ષે જૂલાઈમાં પ્રભાતની ડ્યુટી કોરોના એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકેની હતી. ત્યારે તેમના પિતાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. ત્યારે પ્રભાત એક દિવસ માટે ઘરે ગયો હતો, અંતિમક્રિયા કરી અને જલદી પરત આવી ગયો. પ્રભાતે કહ્યું, *મારા માતા ગયા, હું કશું ના કરી શક્યો, પરંતુ લોકોનો જીવ બચાવી શકતો હતો, જે મારા માટે જરુરી હતું. મારા માતાને પણ મારા પર ગર્વ થશે.*

(8:05 pm IST)