Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગર્ભવતી છતાં કોરોનામાં ફરજ બજાવનારી નર્સનું મોત

છત્તીસગઢના કવર્ધા બ્લોકમાં આવેલા લિમો ગામની ઘટના : મા અને દીકરી બંને કોરોના સંક્રમિત થયા હતા, ડૉક્ટર્સે મહેનતથી બાળકીને તો બચાવી લીધી પણ માતાનું મોત

નવી દિલ્હી, તા. ૨૧ : છત્તીસગઢના કવર્ધા બ્લોકમાં આવેલા લિમો ગામની એક નર્સે કોરોના વોરિયર્સ બનીને એવી હિંમત દાખવી કે આજે સૌ કોઈ તેને સલામ કરી રહ્યા છે. હકીકતે તે નર્સ ગર્ભવતી હોવા છતા લોકોની સેવા કરી રહી હતી. ત્યાર બાદ જ્યારે તેણે બાળકીને જન્મ આપ્યો તો મા અને દીકરી બંને કોરોના સંક્રમિત આવ્યા હતા. ડૉક્ટર્સે ભારે મહેનતથી બાળકીને તો બચાવી લીધી પરંતુ ફરજ નિભાવતા-નિભાવતા નર્સે દુનિયાને અલવિદા કહી દીધું.

નર્સના પતિ ભેષ કુમારના કહેવા પ્રમાણે તેમની પત્ની પ્રભા ગર્ભવતી હોવા છતા કોવિડ વોર્ડમાં ડ્યુટી કરતી રહી હતી. પ્રભાનું પોસ્ટિંગ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખૈરવાર ખુર્દ લોરમી (મુંગેલી) ખાતે થયું હતું. ગર્ભાવસ્થા દરમિયાન તે કાપાદાહ ગામમાં ભાડાના મકાનમાં એકલી રહેતી હતી અને ત્યાંથી હોસ્પિટલ જતી-આવતી હતી.

ભેષ કુમારે જણાવ્યું કે, ૩૦ એપ્રિલના રોજ જ્યારે પ્રસવ પીડા થઈ ત્યારે પ્રભાને કવર્ધાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સીઝેરિયન ઓપરેશન દ્વારા તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં તેને અનેક વખત તાવ આવ્યો હતો. ડિસ્ચાર્જ થયા બાદ તે ઘરે પહોંચી ત્યારે ખાંસી પણ શરૂ થઈ ગઈ. એન્ટીજન ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે તેને કવર્ધા ખાતે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઓક્સિજન લેવલ ઘટી જવાના કારણે તેને રાયપુર રિફર કરવામાં આવી હતી પરંતુ ૨૧ મેના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

રાયપુરના ધરસીંવા ખાતે રહેતી પ્રભાના લગ્ન જૂન ૨૦૨૦માં થયા હતા. તે સમયે લોકડાઉન હોવાથી તેમણે કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કર્યું હતું.

નવજાત બાળકી અને પ્રભા બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાળકીને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તે સ્વસ્થ છે અને તેના નાની તેની સંભાળ રાખી રહ્યા છે. પ્રભાના ફેફસામાં ૮૦ ટકા સુધી ઈન્ફેક્શન લાગી ગયું હોવાથી તે નહોતી બચી શકી. ભેષ કુમારના કહેવા પ્રમાણે પ્રભાને યુક્તિ નામ પસંદ હોવાથી બાળકીને તે નામ આપવામાં આવશે.

(8:03 pm IST)