Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બંગાળમાં હિંસાથી લોકોના પલાયન પર સુપ્રીમે જવાબ માગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસા હજુ પણ જારી : રાજ્ય સરકાર પલાયન રોકવા માટે આદેશ આપે, હિંસા, પલાયનની તપાસ માટે એક ટીમ બનાવે : સુપ્રીમનો હુકમ

નવી દિલ્હી, તા. ૨૫ : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ શરુ થયેલી હિંસા હજી પણ ચાલુ છે અને હવે સુપ્રીમ કોર્ટે હિંસાના પગલે લોકોના પલાયન અંગે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. સુપ્રીમમાં હિંસાના કારણે લોકોના થઈ રહેલા પલાયનને રોકવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક પિટિશન કરવામાં આવી છે. સાથે સાથે તેમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકારને પલાયન રોકવા માટે આદેશ આપે તેમજ હિંસા અ્ને પલાયનની તપાસ કરવા માટે એક વિશેષ ટીમ બનાવાય તથા દોષીતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે મામલામાં માનવાધિકાર પંચ તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગને પક્ષકાર બનાવવા માટે પણ સૂચના આપી છે. પિટિશનમાં કહેવામાં આવ્યુ છે કે, માનવાધિકાર પંચ તથા મહિલા આયોગે રાજ્યની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં લોકોની શું સ્થિતિ છે તે જોઈ હતી.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણી બાદ હિંસાના ડરથી લોકોના પલાયનના પગલે સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ આપી છે અને હવે તેની વધુ સુનાવણી સાત જૂને રાખી છે.

પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિંસા અને પલાયન પાછળ પોલીસ તેમજ રાજ્ય સરકારનુ પીઠબળ ધરાવતા ગુંડાઓની મિલીભગત જવાબદાર છે. કારણ છે કે, પોલીસ મામલાની તપાસ પણ કરી રહી નથી અને જેમને જીવનો ખતરો છે તેવા લોકોને સુરક્ષા પણ પૂરી પાડી રહી નથી. ડર અને ભયના કારણે લોકો હિજરત કરી રહ્યા છે.ઘણા લોકો પશ્ચિમ બંગાળ તેમજ રાજ્યની બહાર ચાલતી છાવણીઓમાં રહેવા મજબૂર થયા છે. લગભગ એક લાખ લોકોનુ પલાયન થયુ છે.

(8:02 pm IST)