Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ટાટા સ્ટીલમાં કોરોનાથી મૃત્યુ થનાર કર્મીનો પગાર ચાલુ રહેશે

કોરોનાના કપરા કાળમાં ટાટા સ્ટીલનો નિર્ણય : કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારને મેડિકલ ફાયદા અને હાઉસિંગ સુવિધાઓ પણ મળવાનું ચાલુ જ રહેશે

મુંબઈ, તા. ૨૫ : કોરોનાના કપરા કાળમાં એક તરફ લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે ટાટા સ્ટીલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોનાથી કર્મચારીનું મૃત્યુ થઈ જશે તો પણ પગાર ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પરિવારને મેડિકલ ફાયદા અને હાઉસિંગ સુવિધાઓ પણ મળવાનું ચાલુ રહેશે.

પોતાના કર્મચારીઓ સાથે જીવ ગુમાવનારા ફ્રન્ટલાઈન કર્મચારીઓના બાળકોના ભણવાના ખર્ચને લઈને પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે આવા કર્મચારીઓના બાળકોનું ગ્રેજ્યુએશન પૂર્ણ થાય ત્યાં સુધી ભારતમાં ભણવાનો ખર્ચ ટાટા સ્ટીલ ઉપાડશે.

કંપનીએ પ્રકારનો નિર્ણય લીધા બાદ સોશિયલ મીડિયા પર ઘણી વાહવાહી થઈ રહી છે. ગૌતમ ચૌહાણ નામના યુઝર લખે છે કે કંપનીનો નિર્ણય પ્રશાંસાને પાત્ર છે. દેશમાં દરેક કંપનીને ટાટા પાસેથી શીખવાની જરુર છે. જ્યારે સમીર પડારિયાએ લખ્યું છે કે, રતન ટાટાના નિર્ણયને સલામ છે. તેમણે લખ્યું છે કે રતન ટાટા ખરેખર મોટા દિલવાળા છે. અમિત શાંડિલ્યએ લખ્યું છે કે, ટાટાની કામ કરવાની રીત છે. મને ખુશી છે કે હું કંપની સાથે જોડાયેલો છું, ટાટા ગ્રુપ કોઈ બિઝનેસ નથી કલ્ચર છે.

ટાટા ગ્રુપ હંમેશા પોતાના કર્મચારીઓને મદદ કરતું રહે છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ) જેવી કંપનીના કર્મચારીઓના ફાયદા માટે અલગ સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે. ટાટા સ્ટીલ દેશની એવી પહેલી કંપની હતી જેણે પોતાના કર્મચારીઓ માટે કલાક કામ, નફા આધારિત બોનસ, સોશિયલ સિક્ટોરિટી, મેટરનિટી લીવ, કર્મચારી ભવિષ્ય નિધિ જેવી સુવિધાઓને સારી રીતે લાગુ કરી છે. ટાટા ગ્રુપની પહેલ  બાદ દેશની અન્ય કંપનીઓએ તેના સારા માપદંડને અપનાવ્યા.

ટાટા ગ્રુપના રતન ટાટાએ માત્ર સફળ ઉદ્યોગપતિ નહીં પરંતુ એક મહાન વ્યક્તિત્વ અને પરોપકારી વ્યક્તિ તરીકે પણ ઈજ્જત કમાઈ છે. પાછલા વર્ષે કોરોનાના કારણે બિઝનેસ પ્રભાવિત થવા છતાં કંપનીએ છટણી શરુ નહોતી કરી. તેમનું કહેવું હતું કે, કંપનીઓની શીર્ષ લીડરશિપમાં સાહનુભૂતિની કમી વર્તાઈ રહી છે. કર્મચારીઓ પોતાનું સંપૂર્ણ કરિયર કંપની માટે લગાવે છે અને કોરોના વાયરસ જેવા સંકટના સમયમાં તેમને સહયોગ કરવાના બદલે બેરોજગાર કરવામાં આવી રહ્યા છે. ટાટાએ કહ્યું હતું કે, જેમણે તમારા માટે કામ કર્યું એમને તમે છોડી દીધા?

રતન ટાટાએ કહ્યું હતું કે નફો કમાવો ખોટું નથી, પરંતુ નફો કમાવવાનું કામ પણ નૈતિકતા સાથે કરો. તમે નફો કમાવવા માટે શું કરી રહ્યા છો, જે જરુરી છે. એટલું નહીં કંપનીઓએ ગ્રાહકો અને શેરધારકોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમામ મુદ્દા મહત્વના છે. અધિકારીઓને તેમણે પૂછવું જોઈએ કે તેમના દ્વારા લેવામાં આવી રહેલા પગલા યોગ્ય છે કે નહીં?

(8:01 pm IST)