Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

નવી ઉપાધિ : હવે પાણીમાં પણ કોરોના : મુંબઈ બાદ લખનૌના સીવેજ વૉટરમાંથી વાઈરસ મળ્યો

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિસર્ચમાં પાણીમાં પણ કોરોના વાઈરસ મળતા વધી ચિંતા

લખનઉ: ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુમા નદીમાં સેંકડો તરતી લાશોની તસવીરોએ આપણને હચમચાવી નાંખ્યા હતા. હવે એક ચોંકાવનારી જાણકારીએ ચિંતા વધારી દીધી છે. વાસ્તવમાં લખનઉના સીવેજ વૉટરમાંથી પણ કોરોના વાઈરસ મળી આવ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિસર્ચમાં પાણીમાં પણ કોરોના વાઈરસની  ઉપસ્થિતિ જોવા મળી છે. લખનઉમાં ત્રણ ઠેકાણેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી એક સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે પાણીમાં ફેલાયેલો વાઈરસ મનુષ્ય પર કેટલી અસર કરે છે? તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ રિસર્ચ SGPGIનો માઈક્રોબાયોલૉજી ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે.

દેશભરના વિવિધ નદીઓમાં મૃતદેહોને વહાવી દેવામાં આવ્યા બાદ ICMR અને WHOએ દેશભરમાં રિસર્ચ કરવાની યોજના બનાવી છે. જે અંતર્ગત દેશમાં 8 સેન્ટર બનાવવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશનું સેન્ટર SGPGIને બનાવવામાં આવ્યું છે. લખનઉમાં જ સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો મળી રહ્યાં છે. આથી જ સીવેજ સેમ્પલ ટેસ્ટિંગની યોજના બનાવવામાં આવી છે.

 

3 જગ્યાએથી સીવેજ સેમ્પલ લઈને SGPGIના માઈક્રોબાયોલૉજી ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવી. જેમાંથી એક સેમ્પલમાં કોરોના વાઈરસ  મળી આવ્યો છે. એવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પાણીથી સંક્રમણ ફેલાવવા અંગે નવેસરથી રિસર્ચ કરવામાં આવી શકે છે. અગાઉ મુંબઈમાં પણ સીવેજ સેમ્પલમાંથી કોરોના વાઈરસ મળ્યો હોવાની જાણકારી મળી છે.

SGPGIના માઈક્રો બાયોલૉજીના પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલે કહ્યું કે, ભવિષ્યમાં સમગ્ર દેશ માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી શકે છે. ICMR અને WHO દ્વારા સમગ્ર દેશભરમાં સીવેજ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ડૉ ઉજ્જવલા ઘોષાલે જણાવ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓના સ્ટૂલ થકી વાઈરસ સીવેજ સુધી અને સીવેજ થકી નદીઓ સુધી પાણી પહોંચે છે. એવામાં તે સામાન્ય લોકોને કેટલું નુક્સાન કરશે? તેના પર રિસર્ચ કરવાનું બાકી છે.

(7:29 pm IST)