Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બ્રિટનની બ્રોકરેજ ફર્મ બાર્કલેઝે ભારતનું જીડીપી અનુમાન ચાલુ મહિનામાં બીજી વાર ઘટાડ્યુઃ કોરોનાની બીજી લહેર કારણભૂત

નવી દિલ્હીઃ બ્રિટનની બ્રોકરેજ ફર્મ બાર્કલેઝ (Barclays) ભારતનું જીડીપી વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું. આવું મહિનામાં બીજી વખત કર્યું છે. અગાઉ મૂડીઝે પણ દેશનો વાકાસ દર નીચો આંક્યો હતો.

બાર્કલેઝે નાણાવર્ષ 2021-22 માટે ભારતના જીડીપી વિકાસ દરનું અનુમાન મંગળવારે 0.8 ટકા ઘટાડી 9.2 ટકા આંક્યુંય ફર્મે કહ્યું કે કોરોના વાઇરસની બીજી લહેરની ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રારંભિક અંદાજ કરતા વધુ અસર કરી છે. ભારતમાં બાર્કલેઝને મુખ્ય અર્થશાસ્ત્રી રાહુલ બજોરિયાએ જણાવ્યું કે દેશમાં રસીકરણની ધીમી ગતિ અને ઘણા રાજ્યોમાં ચાલુ રહેલા લોકડાઉનને કારણે ભારતની વિકાસ દરના અંદાજમાં કાપ મૂકવામાં આવ્યો છે.

એક મહિનાથી વિશ્વની નિષ્ણાત ફર્મો અનુમાન ઘટાડી રહી છે

છેલ્લા એક મહિનાથી ઘણા વિશ્લેષકોએ દેશમાં જીડીપી વિકાસ દરનુ અનુમાન 8.5 ટકાથી 10 ટકા સુધી આંક્યું છે. જ્યારે આરબીઆઇએ પોતાના અંદાજમાં 10.5 ટકા દર દર્શાવ્યો હતો બજોરિયાના જણાવ્યા મુજબ ભારતમાં કોરોનાની બીજી લહેર નબળી રહી હોવા છતાં તેને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનની ભારે કિંમત ચુકવવી પડી છે. અમે નાણાવર્ષ 2021-22 માટે ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી વિકાસ દરનું અનુમામ 0.80 ટકા ઘટાડીને 9.2 ટકા કરી રહ્યા છીએ.

બાર્કલેએ અગાઉ 3 મેએ પણ ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું હતું ત્યારે 11 ટકાથી ઘટાડી 10 ટકા કર્યું હતું. બાર્કલેઝે ચેતવણી આપી છે કે ભારતમાં રસીકરણની ધીમી ગતિ ખાસ કરીને જો કોરોનાની ત્રીજી લહેર પણ આવશે તો મધ્યમગાળાના જોખમ સર્જાઇ શકે છે.

બાર્કલેઝના અધિકારીઓના જણાવ્યા મુજબ જે રીતે ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલુ છે. તેનાથી સંક્રમણ અને મોતના આંકડા અંગે અનિશ્ચિતતા વધી રહી છે. ધીમુ વેક્સિનેશન પણ ભારતની રિકવરીની સંભાવનાને અસર કરી રહ્યું છે.

માર્ચમાં મૂડીઝે દેશના જીડીપી વિકાસને ઓછું આંક્યું

નોંધનીય છે કે અમેરિકન નાણા સેવા ફર્મ મૂડીઝે માર્ચમાં ભારતનો જીડીપ દર 12 ટકા આંક્યો હતો. પરંતુ ત્યાર બાદ દેશમાં કોરોનાની બીજી લહેર ફાટી નીકળી. તેને પગલે જીડીપી અંદાજ દર ઘટાડવો પડ્યો. જ્યારે બાર્કેલઝ બાદ 5 મેના રોજ રેટિંગ ફર્મ S&P ગ્લોબલે પણ ભારતનો જીડીપી ગ્રોથ રેટ અંદાજ 11 ટકાથી ઘટાડી 9.8 ટકા કર્યો હતો. એટલું નહીં એસએન્ડપીએ ભારતને ‘BBB-‘ રેટિંગ આપ્યું હતું.

(5:35 pm IST)