Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ભારતમાં કોરોના વેકસીન સ્પૂતનિક-Vનું ઉત્પાદન શરૂ

વર્ષે ૧૦ લાખ ડોઝનું થશે ઉત્પાદન : હિમાચલ પ્રદેશમાં આ કંપની કરશે પ્રોડકશન

નવી દિલ્હી તા. ૨૪ :ભારતમાં કોરોના મહામારી સામે લડવા વધુ એક વેકસીન  રશિયાની સ્પૂતનિક વીનું ઉત્પાદન શરુ થઈ ગયું છે. જેની પુષ્ટિ ૨૪ મેના રોજ રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ભારતની દવા ઉત્પાદક કંપની પેનાસિયા બાયોટેકએ કરી છે.

તેમણે પોતાના સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતમાં કોરોના વેકિસનેશન માટે ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી તેવી સ્પૂતનિક-વી વેકિસનનું ઉત્પાદન ભારતમાં શરૂ થઇ ચૂકયું છે. સાથે જ કહ્યું કે, આ વેકસીન હિમાચલ પ્રદેશના બડ્ડીમાં પેનાસીયા બાયોટેકમાં બનશે અને તેની પ્રથમ બેચને કવોલિટી કંટ્રોલ તપાસ માટે મોસ્કો સ્થિત ગામાલીયા સેન્ટર ખાતે મોકલવામાં આવશે.

સંયુકત નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઉનાળામાં જ રસીનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે. પેનેસીયા બાયોટેકના મેન્યુફેકચરિંગ યુનિટ્સ જીએમપી ધોરણોનું પાલન કરે છે અને તેને WHOના પૂર્વ મંજૂરી મળી ચુકી છે. પેનેસીયા બાયોટેકના મેનેજિંગ ડિરેકટર ડો. રાજેશ જૈને કહ્યું કે સ્પૂતનિક વી રસીનું ઉત્પાદન ભારતના કોરોના સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પગલું છે. RDIFના સીઇઓ કિરીલ દિમિત્રીવે કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક વીનું સ્થાનિક ઉત્પાદન શરૂ થતા જ કોરોનાને વહેલી તકે હરાવવામાં મદદ મળશે. બાદમાં આ રસીની નિકાસ કોરોના સામે લડતા અન્ય દેશોમાં કરવામાં આવશે. પેનાસીયા બાયોટેક ઉપરાંત RDIF આ રસીના નિર્માણ માટે હૈદરાબાદ સ્થિત કંપની ડો. રેડ્ડીઝ લેબ સાથે પણ કરાર કર્યો છે.

(4:13 pm IST)