Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોદીથી વધુ શરીફ તો ટ્રમ્પ હતાઃ કોઈ 'દિ ટ્વીટર ઓફિસે દરોડા ન પડાવેલઃ શ્રીનિવાસ

ટ્વીટરની ઓફિસ ઉપર દરોડાનો મામલો ગરમાયોઃ વિપક્ષ કેન્દ્ર સરકાર ઉપર તૂટી પડયુ : કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાએ કેન્દ્ર સરકારને રેડ રાઝ ગણાવી

નવી દિલ્હી, તા. ૨૫ :. ટુલકીટ મામલે હવે દરોડાનો દોર શરૂ થઈ ગયો છે. દિલ્હી પોલીસની વિશેષ તપાસ ટીમે ગઈકાલે સાંજે ટ્વીટર ઈન્ડીયાની બે ઓફિસે તપાસ અને પૂછપરછ કરેલ. જો કે ટીમને કશું મળ્યુ ન હતુ. આ બદલાની કાર્યવાહી હોવાની વાતો થઈ રહી છે કેમ કે ટુલકીટ મામલે ટ્વીટરે ભાજપના નેતાઓના ટ્વીટને મૈનિપુલેટેડ બતાવી દીધેલ. જો કે દિલ્હી પોલીસે આને સામાન્ય પ્રક્રિયા ગણાવી છે.

દિલ્હી પોલીસના પીઆરઓ ચિન્મય બિસ્વાલે જણાવેલ કે અમે ટ્વીટર ઈન્ડીયાની ઓફિસે નોટીસ આપવા ગયા હતા. ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ થોડા દિવસ પહેલા ટ્વીટર ઉપર કોંગ્રેસ દ્વારા ટુલકીટના ઉપયોગ કરી ભાજપ અને દેશની છબી ખરાબ કરવાનો આરોપ લગાડાયેલ.

ટ્વીટરને તે શંકાસ્પદ લાગતા તેણે પાત્રાના ટ્વીટ્સને મૈનિપુલેટેડ કરાર દીધેલ. જે દિલ્હી પોલીસને માફક ન આવ્યુ હોય પોલીસે ટ્વીટરને નોટીસ જાહેર કરી પૂછયુ કે ટ્વીટસને મૈનિપુલેટેડની શ્રેણીમાં કેમ નાખ્યું ?

આ દરોડા અંગે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસે ટ્વીટર ઉપર તીખી પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાનની તુલના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરતા જણાવેલ કે મતલબ સાફ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમે તેવા હતા, મોદીથી તો વધુ શરીફ હતા. ટ્વીટરે ભલે તેનુ (ટ્રમ્પ) એકાઉન્ટ બંધ કરી દીધુ પણ કોઈ દિવસ તેની ઓફિસે દરોડા નથી પડાવ્યા. ઉપરાંત કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલાએ આને કેન્દ્ર સરકારને રેડ રાઝ ગણાવી હતી.

(4:12 pm IST)