Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બીજી લહેરમાં મોદી સરકાર આપી શકે છે મોટુ રાહત પેકેજ

નાણામંત્રાલય નાના અને મધ્યમ આકારની કંપનીઓની સાથે સાથે પર્યટન, વિમાન અને અતિથિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના પ્રસ્તાવ પર કામ કરી રહી છે

કોરોનાકાળની બીજી લહેરથી દેશભરમાં કોહરામ મચેલો છે. જેમાં કેટલાય સેકટરો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, કેન્દ્રની મોદી સરકાર કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત સેકટર માટે રાહત પેકેજ આપવા પર વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યુ હતું કે, કોરોનાકાળમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા સેકટરને રાહત પેકેજ આપવાની તૈયારી ચાલી રહી છે. જેનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકડાઉનથી ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવાનો હશે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાણામંત્રાલય નાના અને મધ્યમ આકારની કંપનીઓની સાથે સાથે પર્યટન, વિમાન અને અતિથિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના પ્રસ્તાવ પર કામ કરી રહી છે.આ બાબત સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યુ છે કે, આ અંગેની ચર્ચા હાલ શરૂઆતના તબક્કામાં છે, હાલમાં જાહેરાત અંગે કોઈ સમય નક્કી કર્યો નથી. જો કે, નાણામંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરવાની હાલ તો મનાઈ કરી છે.કોવિડની બીજી લહેરમાં ભારતને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ વર્ષે ભલે પ્રધાનમંત્રી મોદી ગત વર્ષની સરખામણીએ રાષ્ટ્રીય લોકડાઉન લગાવવાનો ઈન્કાર કર્યો હોય, પણ વધતા કોરોનાના કેસ અને મોતના આંકડાથી પ્રભાવિત થયેલા રાજયોને લોકડાઉન લાગૂ કરવા માટે વિવશ કર્યા હતા. ભારતના ઔદ્યોગિક રાજયો મહારાષ્ટ્ર અને તમિલનાડૂ સહિત કેટલીય સ્થાનિક સરકારોએ વાયરસના પ્રસારને રોકવા માટે પ્રતિબંધો લાગૂ કર્યા હતા.

(4:11 pm IST)