Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વિશ્વમાં ચામાચીડિયાની અંદાજે ૧૪૦૦ પ્રજાતિઓ

શા માટે ચામાચીડિયા માનવજીવન માટે જરૂરી છે ? : જો ચામાચીડિયા ખતમ થઇ જશે, તો દુનિયા ઉપર મોટુ જોખમ આવી શકે છે, એવી નિષ્ણાતો દ્વારા ચેતવણી

નવી દિલ્હી,તા.૨૫: કોરોના વાયરસની સમગ્ર વિશ્વ ખૂબ જ ગંભીર અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસની ઉત્પત્તિની કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. કેટલાક વૈજ્ઞાનિકો કોરોના વાયરસ વુહાન વાયરોલોજી લેબમાં બન્યો હોવાનું કહી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ખતરનાક વાયરસ ચામાચીડિયાને કારણે ફેલાયો છે. આ વાતને કારણે દોઢ વર્ષથી લોકોમાં ચામાચીડિયાને લઈને ભય જોવા મળી રહ્યો છે.

આ ખતરનાક વાયરસ ફેલાયો હોવા છતા ચામાચીડિયા આપણા માટે ખૂબ જ જરૂરી છે. છેલ્લા એક દાયકામાં ચામાચીડિયા જીવલેણ બીમારી ઉત્પન્ન કરતા હોવાનું લોકો માની રહ્યા છે. જેમ કે, ઈબોલા, સાર્સ અને કોરોના મહામારી. અનેક ધર્મો અનુસાર ચામાચીડિયું આસપાસ હોય તો અનિષ્ટ વધી જતુ હોવાનું માનવામાં આવે છે અને લોકો ચામાચીડિયાને જોઈને ડરી જાય છે. આવા અનેક કારણોસર ચામાચીડિયું લોકોને પસંદ નથી આવી રહ્યું. જોકે, ચામાચીડિયા જૈવ વિવિધતામાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે જો ચામાચીડિયા ખતમ થઈ જશે, તો દુનિયા પર મોટુ જોખમ આવી શકે છે. ચામાચીડિયાની અંદાજે ૧૪૦૦ પ્રજાતિઓ છે, જે અનેક પ્રકારના જીવજંતુઓને ખાઈને પ્રકૃતિને સંતુલિત રાખે છે. યુએસ ફિશ એન્ડ વાઈલ્ડલાઈફ સર્વિસે આ અંગે જાણકારી આપે છે. ચામાચીડિયા ખેતરોને નુકસાન કરતા જીવજંતુઓને ખાઈને દર વર્ષે ૧ અરબથી વધુ કિંમતના અનાજનો બગાડ થતા અટકાવે છે. ચામાચીડિયા દર કલાકે ૧,૦૦૦થી જીવજંતુઓને ખાઈ જાય છે. ચામાચીડિયાની કેટલીક પ્રજાતિઓ જીવજંતુ નહીં, પરંતુ ફૂલ-છોડનું સેવન કરે છે. આ પ્રકારે એક છોડના બીજ બીજી જગ્યા પર લઈ જઈને ક્રોસ-પોલિનેશનમાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.

આ કારણોસર પાકનું ઉત્પાદન સારુ થાય છે. ફૂલ-છોડનું સેવન કરતા ચામાચીડિયા ક્રોસ-પોલિનેશનમાં ૯૫% સુધીનું યોગદાન આપે છે. કેળાના ઉત્પાદનમાં પણ ચામાચીડિયા મહત્વની ભૂમિકા ભજવે છે. એશિયાઈ ઉષ્ણ-કટિબંધીય જંગલોને ફરીથી ઊભુ કરવામાં ચામાચીડિયા મહત્વનું કામ કરી રહ્યા છે. ફૂલ-છોડનું સેવન કરીને તેના બીજનો ફેલાવો કરે છે. આ રીતે નષ્ટ પામી રહેલ જંગલને ફરીથી ઊભા કરી શકાય છે. ફ્રૂટ-ઈટિંગ ચામાચીડિયા આફ્રિકી વુડલેન્ડમાં અસરકારક સાબિત થયા છે. આફ્રિકી વુડલેન્ડમાં ૮૦૦ હેક્ટર જંગલને ફરીથી હરિયાળુ બનાવવવામાં આવી રહ્યું છે. ચામાચીડિયા જાણીજોઈને માનવવસ્તીમાં વસવાટ નથી કરી રહ્યા. ચામાચીડિયા સામાન્ય રીતે ગુફા અને અંધારી જગ્યાઓમાં રહે છે.

(4:08 pm IST)