Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કાલે 'યાસ' ત્રાટકશેઃ પશ્ચિમ બંગાળના ૨૦ જિલ્લાઓમાં સૌથી વધુ અસર કરશે

મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા સતત મોનીટરીંગઃ એનડીઆરએફની ટીમે મોરચો સંભાળી લીધોઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ ચાલુઃ દરિયામાં ઉંચા- ઉંચા મોજા ઉછળી રહ્યા છેઃ સૌને સલામત સ્થળે રહેવા રાહુલ ગાંધીની પણ અપીલ

નવીદિલ્હીઃ વાવાઝોડુ 'યાસ'એ બંગાળની ખાડીમાં વેગ પકડ્યો છે જે આગામી ૨૪ કલાકમાં ચક્રવાત બનીને પિ?મ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. સાયકલોન 'તૌકતે' તે બાદ હવે ભારત સામે એક વધુ મોટો પડકાર સામે આવ્યો છે. જો કે આ દરમ્યાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે વાવાઝોડુ 'યાસ' ગત વર્ષે આવેલા વાવાઝોડુ  'અમ્ફાન' કરતાં વધારે નુકશાન કરે તેવી સંભાવના છે.

બંગાળ-ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફ સહિત અન્ય એજન્સીઓએ આ કાર્યભાર સંભાળી લીધો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો

આવતીકાલે ૨૬ મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓરીસ્સામાં વાવાઝોડું 'યાસ' ટકરાવવાની સંભાવના છે. પરંતુ તેની અસર આજથી જ જોવા મળશે. આજે ઓરિસ્સાના બાલાસોર કોસ્ટ નજીક ચાંદીપુરમાં ભારે વરસાદ શરૂ થયો હતો. અહીં દરિયામાં ઉંચા મોજ પણ ઉછળી રહ્યા છે. તેમજ લોકોને દરિયાઈ વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.

એનડીઆરએફ સહિતની એજન્સીઓએ ચક્રવાત 'યાસ' પહોંચતા પૂર્વે મોરચો સંભાળી લીધો છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં એનડીઆરએફની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વાવાઝોડા 'યાસ'ની અસર પશ્ચિમ બંગાળ-ઓરિસ્સાના બાલાસોર, દિધા, સાગર આઇલેન્ડ, દક્ષિણ ૨૪ પરગણા વિસ્તારમાં જોવા મળશે.

મમતા બેનર્જીના જણાવ્યા અનુસાર, ચક્રવાત યાસનો પ્રભાવ ૨૦ જિલ્લાઓમાં રહેશે, જેમાંથી કોલકાતા, ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ મિદનાપુર સૌથી અસરગ્રસ્ત વિસ્તારો હોઈ શકે છે. વર્ષ ૨૦૨૦ના મે માસમાં ત્રાટકેલું વાવાઝોડા અમ્ફાનના દરમ્યાન ઓરિસ્સા- અને પશ્ચિમ બંગાળમાં વિનાશ થયો હતો. તેની અસર કોલકાતા શહેરમાં પણ દેખાઈ હતી. આ વાવાઝોડામાં મોટાપાયે જાનહાનિ અને માલ હાનિ થઇ હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારો ચક્રવાતનો સામનો કરવા તૈયાર છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિતભાઈ શાહે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને આંધ્રપ્રદેશના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મમતા બેનર્જી ખુદ પશ્ચિમ બંગાળમાં આનું ધ્યાન રાખી રહ્યા છે અને તે સચિવાલયમાં જ રહેશે. બીજી તરફ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દરેકને સલામત રહેવાની અપીલ કરી છે. તેમજ કટોકટીની સમયમાં કોંગ્રેસના કાર્યકરોને મદદ કરવા જણાવ્યું છે.

(3:22 pm IST)