Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે કોણ જવાબદાર !!!

જવાબદારી નકકી કરવા માટે કેટલાક નેતાઓ દ્વારા થઇ રહી છે માંગણી

નવી દિલ્હીઃ વિધાનસભા ચુંટણીઓમાં મળેલી હારના કારણોની સમીક્ષા માટે રચાયેલ કોંગ્રેસની સમિતિ જવાબદારી નકકી કરવાની ભલામણ કરી શકે છે. આના માટે પ્રદેશ કોંગ્રેસ સંગઠન અને પ્રદેશ પ્રભારીને જવાબદાર ઠેરવી શકાય છે. જેથી વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા લોકોને જવાબદારી આપી શકાય.હારના કારણોની સમીક્ષા માટે રચાયેલ પાંચ સભ્યોની સમિતિ સાથે ચર્ચામાં કેટલાક  નેતાઓએ આ પ્રકારની માંગણી કરી છે. પક્ષના એક સીનીયર નેતાએ કહ્યું કે હાર પછી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જાતે પોતાના રાજીનામાની જાહેરાત કરે છે પણ ઘણીવાર વર્ષો સુધી તેનું રાજીનામુ મંજુર નથી કરવામાં આવતું.

આ નેતા અનુસાર સમિતિ સાથે ચર્ચા દરમિયાન ઘણા નેતાઓની સલાહ છે કે જવાબદારી લાગુ કરવી જ જોઇએ. તેમના અનુસાર હારનાર રાજયના કોંગ્રેસના સીનીયર નેતાઓ અને પ્રભારીને એક નિશ્ચિત સમય સુધી સંગઠનમાં કોઇ જવાબદારીના સોંપાવી જોઇએ. અત્યાર સુધી એવુ થતુ રહયું છે કે ચુંટણીમાં હાર મેળવ્યા પછી જે તે પ્રભારી પાસેથી રાજયની જવાબદારી લઇને પછી બીજા રાજયમાં પ્રભારી બનાવી દેવાય છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના સીનીયર પદાધિકારીઓમાં પણ કોઇ ફેરફાર નથી કરવામાં આવતા.

(3:22 pm IST)