Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં હોમ આઇસોલેશન ઉપર પ્રતિબંધઃ દાખલ થવું પડશે કોવિડ સેન્ટરમાં

રાજય સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન્સ

મુંબઇ, તા.૨૫: મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઇને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે નવા દર્દીઓને કોવિડ સેન્ટર જવાનું રહેશે એટલે કે હોમ આઇસોલેશનની વ્યવસ્થા ખત્મ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારને જાણકારી મળી રહી હતી કે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓના કારણે અનેક જગ્યાએ કોરોના ફેલાઈ રહ્યો છે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના એ જિલ્લાઓમાં હોમ આઇસોલેશનની સુવિધા બંધ કરવામાં આવી છે, જયાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે છે. કોલ્હાપુર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંદ્યુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશીમ, બીડ, ગડચિરોલી, અહમદનગર, ઉસ્માનાબાદ જિલ્લામાં હોમ આઇસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, ભલે કેસ ઓછા થઈ રહ્યા હોય, પરંતુ સાવધાનીઓ વર્તવાની છે. અનેકવાર ફરિયાદ મળી રહી હતી કે હોમ આઇસોલેશનનું પાલન દર્દીઓ યોગ્ય રીતે નથી કરી રહ્યા. આ કારણે તેમના દ્યરવાળાઓની સાથે સાથે આસપાસના લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આવામાં બાકીના લોકોને સંક્રમણથી બચાવવા માટે દર્દીઓએ હવે કોવિડ સેન્ટરમાં રહેવું પડશે.

હોમ આઇસોલેશનને ખત્મ કરવાનો નિર્ણય ત્યારે આવ્યો છે, જયારે મહારાષ્ટ્રમાં કોરોનાનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. હવે હાઙ્ખસ્પિટલો અને કોવિડ સેન્ટર પર દબાવ ઓછો થયો છે. આ કારણે હોમ આઇસોલેશનને ખત્મ કરીને હવે નવા દર્દીઓને કોવિડ સેન્ટરમાં એડમિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી તેમના પર ધ્યાન રાખવામાં આવશે અને બાકીના લોકો પર કોરોના સંક્રમણનો ખતરો પણ ઓછો થશે.

મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દરેક ઉંમરના લોકો માટે હોમ આઇસોલેશનની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, જે લોકો પહેલાથી હોમ આઇસોલેશનમાં છે, તેમણે નીકળવાની જરૂર નથી, પરંતુ હવે જે નવા કેસ આવશે તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની મંજૂરી નહીં હોય. તેમને કોવિડ સેન્ટરમાં રહેવું પડશે.

(3:04 pm IST)