Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

શું ત્રીજી લહેર આવી ગઇઃ એકલા જયપુરમાં જ ૧૦,૦૦૦થી વધુ બાળકો પોઝિટીવ

૨ મહિનામાં જ ૬૦,૦૦૦થી વધુ લોકોને કોરોના

જયપુર, તા.૨૫: મેડિકલ એક્‍સપર્ટ્‍સે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાની આશંકા વ્‍યક્‍ત કરી હતી. ત્‍યારે મોટી સંખ્‍યામાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે તેને જોતા સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. હાલમાં રાજસ્‍થનમાં એપ્રિલથી મે મહિનામાં મોટી સંખ્‍યામાં બાળકો કોરોના પોઝિટિવ થયા છે.  રાજયના બીજા જિલ્લાની જેમ જયપુરમાં પણ આંકડા ચોંકાવનારા છે. એપ્રિલ અને મેમાં ૧જ વર્ષથી સાડા ૩ હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્‍યા છે. ત્‍યારે ૧૧ થી ૨૦ વર્ષના ૧૦ હજારથી વધારે બાળકો કોરોનાગ્રસ્‍ત થઈ ચૂક્‍યા છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે રાજયભરમાં કેટલી સંખ્‍યા હશે.

રાજસ્‍થાનમાં ત્રીજીની જગ્‍યાએ બીજી લહેરમાં બાળકો કોરોનાગ્રસ્‍ત થઈ રહ્યા છે. સ્‍વાસ્‍થ્‍ય વિભાગના આંકડા અનુસાર એપ્રિલ અને મેમાં જયપુરમાં ૧૦ વર્ષ સુધીના ૩ હજાર ૫૮૯ અને ૧૧ થી ૨૦ વર્ષ સુધીના ૧૦ હજાર ૨૨ કિશોર કોરોના ગ્રસ્‍ત થઈ ચૂક્‍યા છે.

આંકડા પર  એક નજર

એપ્રિલમાં ૦ થી૧૦ વર્ષના કુલ ૧૬૭૨ બાળકો કોરોના પોઝિટિવ થયા

એપ્રિલમાં ૧૧ થી૨૦ વર્ષના કુલ  ૪૬૮૧ બાળકો કોરોના પોઝિટિવ થયા

૧થી ૨૩ મે સુધી ૦ થી૧૦ વર્ષના કુલ ૧૯૧૭ બાળકો કોરોના પોઝિટિવ થયા

૧થી ૨૩ મે સુધી ૧૧ થી૨૦ વર્ષના કુલ ૫૩૪૧ કિશોરો કોરોના પોઝિટિવ થયા

૬૦,૦૦૦ થી વધારે લોકો ૨ મહિનામાં કોરોનાગ્રસ્‍ત થયા

જયપુરમાં ૨૧થી લઈને ૪૦ વર્ષ સુધીના લોકો પર કોરોનાનું સંકટ સૌથી વધારે જોવા મળ્‍યુ. આ ઉમંરના ૬૦,૦૦૦ થી વધારે આ ૨ મહિનામાં સંક્રમિત થયા છે. પરંતુ મોટી સંખ્‍યામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ વર્ષે જાન્‍યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં જયપુરમાં ૨૦ વર્ષ સુધીમાં માત્ર ૪૩૧ બાળકો પોઝિટિવ આવ્‍યા હતા.

જયપુરના સીએમએચઓ ડો. નરોત્તમ શર્માએ કહ્યુ છે કે એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે. મોટી સંખ્‍યામાં લોકો પોઝિટિવ થયા છે. આ દરમિયાન કોરોના ગાઈડલાઈન્‍સનું પાલન પણ સંપૂર્ણ રીતે નથી થયુ. આ કારણે બાળકો કોરોના સંક્રમિત થઈ ગયા. તેવામાં બાળકોએને આ કહેરથી બચાવવા માટે સાવધાની વર્તવાની જરુર છે.

(10:58 am IST)