Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

PNB કૌભાંડનો આરોપી મેહુલ ચોકસી લાપત્તા

બેંકને કરોડોમાં નવડાવી પહેલા ભારતથી ભાગ્‍યો ને હવે ભાગેડુ એન્‍ટીગુઆથી પણ છનન થઈ ગયો : એન્‍ટીગુઆ પોલીસ મેહુલની શોધખોળમાં લાગીઃ કયુબામાં છુપાયો હોવાની આશંકા

નવી દિલ્‍હી, તા. ૨૫ :. પંજાબ નેશનલ કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હિરા કારોબારી મેહુલ ચોકસીના લાપત્તા હોવાના અહેવાલ છે. ચોકસી એન્‍ટીગુઆ અને બારગુડામાં લાપત્તા થયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

સ્‍થાનિક મીડિયા આઉટલેટ એન્‍ટીગાન્‍યુઝરૂમે પોલીસ કમિશ્નર એટલી રોડનેના હવાલાથી કહ્યુ કે પોલીસ ભારતીય વ્‍યવસાયી મેહુલ ચોકસીની ભાળ મેળવી રહી છે. જેના લાપત્તા હોવાની ‘અફવા' છે. ૨૦૧૮માં ભારતમાંથી ફરાર થયા બાદ ચોકસી કેરેબિયાઈ દેશ એન્‍ટીગુઆ અને બારબુડામાં રહેતો હતો.

એન્‍ટીગુઆ પોલીસે ભાગેડુ કારોબારી અને આરોપી મેહુલ ચોકસીના લાપત્તા હોવાનો કેસ નોંધાયો છે. મેહુલને અંતિમવાર રવિવારે સાંજે ૫.૧૫ વાગ્‍યે તેમના આવાસથી કારમાં નીકળતો જોવા મળ્‍યો હતો. એન્‍ટીગુઆના જોનસન પોઈન્‍ટ પોલીસ સ્‍ટેશને કેસ નોંધ્‍યો છે. પોલીસે જનતાને કહ્યું છે કે જો ચોકસી વિશે જો કોઈ સૂચના છે તો જાણકારી આપો.

આ બધાની વચ્‍ચે એન્‍ટીગુઆ પોલીસ દ્વારા જાહેર પ્રેસ રિલીઝમાં કહેવામા આવ્‍યુ છે કે પોલીસે જોલી હાર્બરના ૬૨ વર્ષના મેહુલ ચોકસીના લાપત્તા હોવાની તપાસ શરૂ કરી દીધી છે. તેના વિશે લાપત્તા હોવાનો રીપોર્ટ નોંધવામાં આવ્‍યો છે.

આ બધાની વચ્‍ચે માનવામાં આવી રહ્યુ છે કે મેહુલ ચોકસી એન્‍ટીગુઆથી ભાગી ગયો છે અને હવે કયુબામા રહે છે. જ્‍યાં તેનુ પોતાનુ ઘર છે મેહુલના સહયોગીના હવાલાથી સ્‍થાનીક મીડિયા રીપોર્ટમાં કહેવામા આવ્‍યુ છે કે મેહુલ ચોકસી દેશ છોડી ચૂકયો છે અને સંભવતઃ કયુબામા તેમના આલીશાન ઘરમાં રહે છે.

એવી અટકળો લગાવામાં આવી રહી છે કે ચોકસીએ એન્‍ટીગુઆ છોડયુ કારણ કે ભારત સરકાર એન્‍ટીગુઆના અધિકારીઓ પર તેની નાગરિકતા રદ્દ કરવાનો દબાવ બનાવી રહી હતી. મેહુલના સહયોગી ના હવાલાથી સ્‍થાનિક રીપોર્ટના જણાવ્‍યા મુજબ મેહુલ ચોકસીની પાસે અન્‍ય કેરેબિયન દેશોની નાગરિકતા છે.

મીડિયા રીપોર્ટસમાં કહેવામાં આવ્‍યુ છે કે કેરેબિયાઈ દ્વીપના દેશ એન્‍ટીગુઆ અને બારબુડાની નાગરિકતા લેનારા ચોકસીને રવિવારે દ્વિપને દક્ષિણી ક્ષેત્રમાં ગાડી ચલાવતો જોવા મળ્‍યો હતો. બાદમાં તેની ગાડી મળી ગઈ, પરંતુ ચોકસીની કોઈ ભાળ મળી નથી. રિપોર્ટ વિશે તેના વકીલને મોકલેલા સવાલનો કોઈ જવાબ પણ મળ્‍યો નથી.

ચોકસી અને નિરવ મોદી સરકારી પંજાબ નેશનલ બેંકમાથી કથિત રીતે ૧૩,૫૦૦ કરોડની સાર્વજનિક મની લોન્‍ડ્રીંગ કેસમાં આરોપી છે. બીજીબાજુ સૂત્રોના જણાવ્‍યા મુજબ મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે તેના પરિવારના સભ્‍યો ચિંતિત છે અને તેના વિશે તેઓએ મને ફોન કર્યો હતો. જો કે એન્‍ટીગુઆની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

(10:46 am IST)