Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મેરેજ એનિવર્સરીએ પત્નીને '૧૦૦ તોલાનો સોનાનો હાર' ગીફટમાં આપી પતિ પસ્તાયો

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ કરતાં હાર નકલી નિકળ્યો

મુંબઇ,તા. ૨૫: સોનાની વધી રહેલી કિંમતોના કારણે જયાં એકબાજુ લોકો માટે ૧ તોલુ સોનુ ખરીદવાનું મુશ્કેલ થઈ ગયું છે ત્યાં કોઈ ૧૦૦ તોલા સોનાનો હાર ખરીદવાની વાત કરે તો? આવું સાંભળીને તો કોઈપણ વ્યકિત ચોંકી ઉઠે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ભિવંડીમાં બની છે કે જયાં એક યુવકે મેરેજ એનિવર્સરી પર પત્નીને ૧૦૦ તોલાનો સોનાનો હાર આપવાનો દાવો કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

યુવકે મેરેજ એનિવર્સરી પર પોસ્ટ કરેલા વિડીયોમાં તેની પત્ની સાથે ઉજવણી કરતો જોવા મળ્યો અને પત્નીના ગળામાં લાંબો હાર પણ જોવા મળી રહ્યો હતો. યુવકે વિડીયોમાં એવો દાવો કર્યો હતો કે તેની પત્નીએ પહેરેલો આ હાર ૧૦૦ તોલા સોનાનો છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા પોલીસે આ યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને સોનાના હારને સુરક્ષિત બેંક લોકરમાં મૂકવાની સલાહ આપી. પણ, આ ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો કે જયારે તે યુવકે જણાવ્યું કે આ હાર સોનાની નથી પણ તે નકલી હાર છે. ત્યારબાદ પોલીસે જયારે જવેલર સાથે પણ આ હાર અંગેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ હાર તો સોનાનો નહીં પણ નકલી છે.

આ સાથે જ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અમે લોકોને એવી વિનંતી કરીએ છીએ કે પોતાની જવેલરીની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશો નહીં. કારણકે તેનાથી ચોરીની ઘટનાની શકયતાઓ રહેલી છે.

(10:27 am IST)