Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મધ્યપ્રદેશ : મહિલા ADMએ દુકાનદારને મારી થપ્પડ

છત્તીસગઢ બાદ હવે મધ્ય પ્રદેશમાં વહિવટી અધિકારીની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે : લોકડાઉનનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવા માટે મહિલા એડીએમ ટીમ સાથે નીકળ્યા હતા : દુકાનદારે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા ગુસ્સે ભરાયેલા એડીએમ એ તેને લાફો માર્યો હતો

શાજાપુર,તા.૨૫: કોરોના લોકડાઉનના ઉલ્લંઘન બદલ એડીએમ મંજુષા રાયને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેમણે એક દુકાનદારને થપ્પડ મારી દીધી હતી. દુકાનદારે એડીએમને ખોટી જાણકારી આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર એડીએમ ગુસ્સે ભરાયા હતા અને તેમણે થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં પીડિત દુકાનદારને સલાહ આપી હતી કે તે આનો વિડીયો વાઈરલ ના કરે. જોકે, ઘટનાના બે દિવસ બાદ વિડીયો સામે આવ્યો છે.

દુકાન ખુલેલી જોતા એડીએમ એ પૂછ્યું હતું તો દુકાનદારે કહ્યું હતું કે આ દુકાનમાં તેનું ઘર છે અને તેથી તે અહીં છે. જોકે, દુકાનદારનું ઘર બીજી જગ્યાએ હતું. તેનો ખ્યાલ આવતા એડીએમ રોષે ભરાયા હતા અને તેમણે દુકાનદારને તમાચો ચોડી દીધો હતો. એડીએમ એ તમાચો માર્યો તે જોતા તેમની સાથે હાજર રહેલા પોલીસકર્મી પણ ડંડો લઈને દુકાનદાર તરફ આવ્યો હતો.

આ ઘટના બે દિવસ પહેલાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે સમયે અધિકારીઓએ વિડીયો બનાવનારા યુવકને કહ્યું હતું કે તે વિડીયો વાઈરલ ન કરે જેથી તે વિડીયો બે દિવસ સુધી સામે આવ્યો ન હતો. જોકે, હવે અચાનક વિડીયો સામે આવ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે.

આ પહેલા પાડોશી રાજય છત્ત્।ીસગઢમાં સૂરજપુરના કલેકટરે એક યુવકને જાહેરમાં થપ્પડ મારી હતી. તેનો વિડીયો વાઈરલ થયા બાદ પ્રદેશ સરકારે કલેકટરને પદ પરથી હટાવી દીધા હતા. હવે શાજાપુર એડીએમનો દુકાનદારને તમાચો મારતો વિડીયો વાઈરલ થયો છે. તેવામાં વધુ એક વખત વહિવટી અધિકારીઓની દાદાગીરી સામે આવી છે.

કોરોનાકાળમાં ગાઈડલાઈન પ્રમાણે દુકાનદારનું વર્તન બેજવાબદાર હતું. તેથી તેના વિરુદ્ઘ નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈતી હતી પરંતુ એડીએમનો વ્યવહાર પણ યોગ્ય નથી. હવે જોવાનું એ છે કે એડીએમના આ મામલામાં શું કાર્યવાહી થાય છે.

(10:24 am IST)