Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ટૂલકિટ કેસ મામલે દિલ્હીની સ્પેશિયલ સેલની ટીમો ટ્વીટરની ઓફિસોમાં તપાસ માટે પહોંચી

લાડો સરાયની ઑફિસ બંધ હોવાથી કોઈ મળ્યું નહીં :ટીમ તપાસ કર્યા વિના જ પરત ફરી

નવી દિલ્હી: ટૂલકિટ કેસમાં તપાસ માટે સાંજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની બે ટીમો ટ્વીટરની ઑફિસમાં તપાસ માટે પહોંચી છે. પહેલા એક ટીમ દિલ્હીમાં લાડો સરાય સ્થિત ઑફિસ પહોંચી હતી. જે બાદ બીજી ટીમ ગુડગાંવની ઑફિસ પહોંચી ગઈ. જો કે લાડો સરાયની ઑફિસ બંધ હોવાથી કોઈ મળ્યું નહતું. આથી ટીમ તપાસ કર્યા વિના જ પરત ફરી હતી. Toolkit Case

આ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ અને કેન્દ્ર સરકારની દખલ બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. ટ્વીટર તરફથી ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાના ટ્વીટને મેનિપુલેટેડ મીડિયા ગણાવાને લઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે કંપનીને દિવસમાં નોટિસ ફટકારી હતી. સ્પેશિયલ સેલે નોટિસ થકી કંપની પાસેથી પાત્રાની પોસ્ટને મેનિપુલેટિડ મીડિયા ગણાવાને લઈને જાણકારી માંગી છે.

અગાઉ કેન્દ્ર સરકારે પણ ટ્વીટરને મેનિપુલેટેડ મીડિયા ગણાવાને લઈને ટ્વીટરની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. IT મિનિસ્ટ્રીએ ટ્વીટરને મેનિપુલેટેડ મીડિયા ટેગ હટાવવાનો આદેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે, કન્ટેન્ટની સચ્ચાની તપાસ તપાસ એજન્સી કરશે, ટ્વીટર નહીં. આથી ટ્વીટરે તપાસ પ્રક્રિયામાં દખલ ના કરવી જોઈએ.

મંત્રાલયે ટ્વીટને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, સબંધિત પક્ષોમાંથી એકે તપાસ એજન્સી સમક્ષ ટૂલકિટની સત્યતા પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે અને તેની તપાસ ચાલી રહી છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ 18મીં મેના રોજ એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે એક ટૂલકિટનો આધાર આપતા કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને બદનામ કરવા માટે ટૂલકિટનો પ્રયોગ કરી રહી છે. જેને કોંગ્રેસની રિસર્ચ ટીમે તૈયાર કરી છે.

પાત્રાએ દાવો કર્યો કે, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ ટૂલકિટ થકી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. ટ્વીટરે આ ટ્વીટને મેનિપુલેટેડ મીડિયા ગણાવ્યું અને કહ્યું કે, દાવા યોગ્ય નથી.

બીજી તરફ કોંગ્રેસ આ કેસમાં દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને પ્રવક્તા સંબિત પાત્રા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે

(12:00 am IST)