Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

આસારામની કાળજી લેવા પુત્ર નારાયણની જામીનની માગણી

નારાયણ સાંઈના જેલની બહાર આવવા હવાતિયાં : બીમારીની ગંભીરતા જોતા આસારામને અસર કરતી આયુર્વેદિક સારવાર માટે પુત્રને જામીન આપવા માગ

અમદાવાદ, તા. ૨૪ : દુષ્કર્મ કેસના આરોપી આસારામના દીકરા નારાયણ સાંઇએ હાઇકોર્ટમાં અરજી કરીને ૨૦ દિવસના જામીન માંગ્યા છે. તેની રજૂઆત છે કે તેના પિતા આસારામ કોરોનામાં સપડાયા છે અને જોધપુરમાં સારવાર લઇ રહ્યા હોવાથી તેની કાળજી લેવા નારાયણ સાંઇને ૨૦ દિવસના જામીન આપવામાં આવે.

હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને નારાયણ સાંઇ તરફથી એવી રજૂઆત કરાઈ છે કે તેના પિતા આસારામને કોરોના થયો છે અને તેઓ હાલ એલોપેથીની સારવાર લઇ રહ્યા છે પરંતુ તેમની ઉંમર અને બીમારીની ગંભીરતા જોતાં તેઓ મૃત્યુ પણ પામી શકે છે. જોકે તેમને આયુર્વેદિક સારવાર આપવાની છે જે તેમના માટે અસરકારક સાબિત થઇ શકે છે. તમામ વ્યવસ્થા કરવા માટે તેને ૨૦ દિવસના જામીન આપવામાં આવે. જેથી તે પોતાના પિતાનો જીવ બચાવી શકે.લ્લ

નારાયણ સાંઇને સુરતની કોર્ટે દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. તેણે હાઇકોર્ટમાં અરજી કરીને જણાવ્યું છે કે,'૨૦૧૩થી તે પિતાને મળ્યો નથી. હાલ કોરોનાની સારવાર દરમિયાન તેના પિતાની પરિસ્થિતિનો તાગ મેળવવો જરૂરી છે. તેમની પરિસ્થિતિ નાજુક થઇ રહી હોવાથી તેનું ત્યાં હોવું જરૂરી છે.લ્લ રિટમાં એવો દાવો કરાયો છે કે આસારામની ધરપકડ થઇ ત્યારે ૭૭ વર્ષની ઉંમર સુધી તેમણે માત્ર આયુર્વેદિક સારવાર લીધી છે.લ્લ

તરફ આસારામ દ્વારા પણ હાઇકોર્ટમાં અરજી કરીને જામીન માંગવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કોર્ટમાં પેન્ડિંગ કેસના સંદર્ભે અરજી કરવામાં આવી છે અને કોરોનાની સારવાર માટે જામીન માંગવામાં આવ્યા છે. જે રિટમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આસારામને કોરોના પોઝિટિવ આવતાં તે જોધપુરની એઇમ્સ ખાતે સારવાર હેઠળ છે. પરંતુ તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જામીન અરજી દાખલ કરી છે અને ૩૦ દિવસ માટે હંગામી જામીન આપવાની દાદ માંગી છે. ઉલ્લેખનીય છે કે આસારામ વર્ષ ૨૦૧૩થી જેલમાં છે અને તેની સામે દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાની ફરિયાદો છે. પ્રસ્તુત કેસમાં તેના આશ્રમના સેવકો દ્વારા દુષ્કર્મની ફરિયાદ ચાંદખેડા પોલીસસ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

(12:00 am IST)