Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

૨૦૧૪માં માત્ર ૧ સભ્યને પ્રધાનપદુ અપાયું હતું

શિવસેનાએ નાક દબાવ્યું: ૩ પ્રધાનપદની માંગણી કરી? શું મોદી માનશે? જબરી ચર્ચા

મુંબઈ, તા.૨૫:  લોકસભાની ૫૪૨ બેઠકોમાંથી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ને ૩૫૦થી વધુ બેઠકો મળી છે અને મહારાષ્ટ્રમાં પણ યુતિને સારી સફળતા મળી છે. રાજયની ૪૮માંથી ૪૧ બેઠક ભગવી યુતિએ જીતી લીધી છે. એનડીએના દ્યટક પક્ષોમાં ભાજપ પછી સૌથી વધુ સંસદસભ્યો શિવસેનાના છે તેથી આ વખતે તેઓ ત્રણ પ્રધાનપદાં મેળવવાની આશા રાખી રહ્યા છે.

૨૦૧૪માં શિવસેનાને ફકત એક જ પ્રધાનપદું આપવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે ૩૦મી તારીખે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરે ત્યારે શિવસેનાને ત્રણ પ્રધાનપદાં આપવામાં આવે એવી માગણી શિવસેનામાં જોર પકડી રહી છે.

આખા દેશમાં એનડીએના દ્યટકપક્ષોમાં બીજા નંબરની સૌથી વધુ બેઠકો શિવસેના પાસે છે એટલે ઓછામાં ઓછા તેમને બે કેબિનેટ સ્તરનાં પ્રધાનપદાં અને એક રાજયકક્ષાનું પ્રધાનપદ કેન્દ્રમાં આપવામાં આવે એવી માગણી ઊઠી રહી છે.

આધારભૂત સાધનોનાં જણાવ્યા મુજબ દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંત, રત્નાગિરિ-સિંધુદુર્ગના સંસદસભ્ય વિનાયક રાઉત અને યવતમાળ-વાશિમના સંસદસભ્ય ભાવના ગવળી પ્રધાનપદ મેળવવા માટે લોબીઈંગ કરી રહ્યા છે.

(9:59 am IST)